દેશની અલગ અલગ હાઈ કોર્ટના ન્યાયાધીશની ટ્રાન્સફરને મંજૂરી
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ કોલેજિયમની ભલામણ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી બાદ કાયદા અને ન્યાય મંત્રાલયે અલગ અલગ હાઈ કોર્ટના પાંચ જજોની નિમણૂક અને ટ્રાન્સફર સંબંધિત સૂચનાઓ જાહેર કરી હતી.
કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે 13 નવેમ્બરના રોજ સોશિયલ મીડિયા પર હાઇ કોર્ટના ન્યાયાધીશોની બદલી અંગેના આદેશ વિશે માહિતી આપી હતી. જેમાં અલહાબાદ, કલકત્તા, તેલંગાણા અને મદ્રાસ હાઈ કોર્ટના ન્યાયાધીશોની બદલી/નિયુક્તિ કરવામાં આવશે.
અલહાબાદ હાઈ કોર્ટના જસ્ટિસ વિવેક કુમાર સિંહને મદ્રાસ હાઈકોર્ટમાં મોકલવામાં આવ્યા છે. કોલકાતા હાઈ કોર્ટના જસ્ટિસ શેખર બી સરાફને અલહાબાદ હાઈ કોર્ટમાં મોકલવામાં આવ્યા છે. તેમજ જસ્ટિસ બિબેક ચૌધરીની કલકત્તા હાઈ કોર્ટમાંથી પટણા હાઈ કોર્ટમાં બદલી કરવામાં આવી છે.
તેલંગાણા હાઈ કોર્ટના જસ્ટિસ એમ સુધીર કુમારની મદ્રાસ હાઈ કોર્ટમાં અને જસ્ટિસ સી સુમલાતાને કર્ણાટક હાઈ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.
નોંધનીય છે કે ઓક્ટોબરમાં દેશના હાઈ કોર્ટના 16 ન્યાયાધીશોની બદલી કરવામાં આવી હતી, જ્યારે 17 નવા ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી હતી. અલહાબાદ હાઈ કોર્ટના જસ્ટિસ એસપી કેસરવાણીને કલકત્તા હાઈ કોર્ટ અને જસ્ટિસ રાજેન્દ્ર કુમારને મધ્યપ્રદેશ હાઈ કોર્ટમાં મોકલવામાં આવ્યા હતા.
આ ઉપરાંત જજ નાની તાગિયાને ગૌહાટી હાઈ કોર્ટમાંથી પટણા હાઈ કોર્ટ મોકલવામાં આવ્યા હતા. તેમજ પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટમાંથી જસ્ટિસ રાજમોહન સિંહને મધ્ય પ્રદેશ હાઈકોર્ટ, જસ્ટિસ અરવિંદ સિંહ સાંગવાનને અલહાબાદ હાઈ કોર્ટ અને જસ્ટિસ અવનીશ ઝિંગન અને જસ્ટિસ અરુણ મોંગાને રાજસ્થાન હાઈકોર્ટમાં મોકલવામાં આવ્યા હતા.