હાય રે કિસ્મતઃ એમબીબીએસની ડિગ્રી લઈ ઘરે જતા કરડી ગયો સાપ ને…
વિધિની વક્રતા દર્શાવતી ઘણી ઘટનાઓ આપણી આસપાસ બને છે, જે ખરેખર ઈશ્વરની કૃપા કે તેના ન્યાય સામે પણ સવાલો ઉભા કરી દે છે. આવી જ એક ઘટના કર્ણાટકમાં બની છે. ઘરનો દીકરો ડોક્ટર બની ગયો અને એમબીબીએસની ડિગ્રી માટેનો દિક્ષાંત સમારોહ હતો ત્યારે માતા અને સંબંધીઓ પણ હાજર હતા. મોટા નેતાઓની હાજરીમાં તેને ડિગ્રી એનાયત કરવામાં આવી ત્યારે પરિવાર ખુશ થયો હતો, પરંતુ તેમની ખુશી ક્ષણિક રહી.
આ ઘટના વિશે અહેવાલો દ્વારા મળતી માહિતી અનુસાર બેંગલુરુથી 80 કિમી દૂર તુમાકુરુની બહાર આવેલ શ્રી સિદ્ધાર્થ મેડિકલ કોલેજ (SSMC) કેમ્પસમાં આ કમનસીબ યુવાને જીવ ખોયો. મૃતક વિદ્યાર્થીની ઓળખ અદિત બાલકૃષ્ણન તરીકે થઈ છે, જે કેરળના ત્રિશૂરનો વતની છે અને શ્રી સિદ્ધાર્થ એકેડેમી ઑફ હાયર એજ્યુકેશનનો વિદ્યાર્થી છે. પોલીસે જણાવ્યું કે જ્યારે તે 11 વાગ્યે દીક્ષાંત સમારોહમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે તેને ઝેરી સાપે ડંખ માર્યો હતો.
તુમાકુરુ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, વિદ્યાર્થીને તેના રૂમની નજીક પાર્કિંગની પાસે સાપ કરડ્યો હતો. ઘટના સમયે તેની માતા અને અન્ય સંબંધીઓ પણ તેની સાથે હતા, જોકે કોઈને ખ્યાલ નહોતો કે તેને સાપ કરડ્યો છે. જ્યારે તેઓ પોતાના ઉતારાએ પહોંચ્યા ત્યારે તેને કંઈક થયાનું વર્તાવા લાગ્યું અને તે ઢળી પડ્યો. આથી તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મૃત્યુ થયું. વિદ્યાર્થીના શરીર પર સાપના ડંખના નિશાન જોવા મળ્યા હતા. પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું કે તેના લોહીમાં ઝેર મોટા પ્રમાણમાં ફેલાઈ ગયું હતું.
વાર્ષિક દીક્ષાંત સમારોહ દરમિયાન અદિત બાલકૃષ્ણનને MBBSની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશિ થરૂર અને ચાન્સેલર અને કર્ણાટકના ગૃહ પ્રધાન જી પરમેશ્વરાએ પણ હાજરી આપી હતી.
સિદ્ધાર્થ મેડિકલ કોલેજના ડેપ્યુટી પ્રિન્સિપાલ ડૉ. પ્રભાકર જીએનએ કહ્યું, આદિત સારો વિદ્યાર્થી હતો. તેને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે ગુરુવારે કૉલેજમાં શોકસભાનું આયોજન કર્યું હતું. દીક્ષાંત સમારોહમાં ભાગ લેવા માટે ત્રિશૂરથી આવેલા અદિતની માતા અને સંબંધીઓ હજુ આ વાત સ્વીકારી શક્યા નથી અને ગમગીન બની ગયા છે. કોલેજના સૂત્રોએ જણાવ્યું હતું કે આદિતના પિતા ઈટલીમાં હોવાથી અગ્નિસંસ્કાર માટે તેમના આવવાની રાહ જોવાઈ રહી છે.