હિઝબુલ્લાહના મિસાઈલ યુનિટ પર IDFની એરસ્ટ્રાઈક: માસ્ટરમાઇન્ડને ઠાર મરાયો…
નવી દિલ્હી: લેબનોનમાં રેડિયો સિસ્ટમ હેક થયાના અને ઇઝરાયેલના મેસેજ સાંભળ્યાના થોડા સમય બાદ જ IDF એ હિઝબુલ્લાહના અડ્ડાઓને નિશાન બનાવીને હવાઈ હુમલા શરૂ કરી દીધા છે. લેબનોનના બેરૂતમાં થયેલા આ હુમલાઓમાં હિઝબુલ્લાહના મિસાઈલ યુનિટના માસ્ટર ઈબ્રાહિમ કબીસી સહિત ચાર લોકોના મોત થયા છે. અહીં દાહામાં એક ઈમારત સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગઈ હતી. અલ-માયાદીન નેટવર્કે અહેવાલ આપ્યો છે કે દાહાના અલ-રાબીરી વિસ્તારમાં IDF હુમલામાં ઇમારતના ત્રણ માળ નાશ પામ્યા હતા.
એવું કહેવામાં આવી રહ્યું છે કે હિઝબુલ્લાહનું લેબનોનના બેરૂતમાં મિસાઈલ યુનિટ છે. તેને સંપૂર્ણ રીતે નષ્ટ કરવા માટે ઇઝરાયેલની સેના દ્વારા સતત હવાઈ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. IDF દાવો કરી રહ્યું છે કે તેના ફાઇટર જેટ્સે આ વિસ્તારોમાં લગભગ 2000 બોમ્બ ફેંક્યા છે. રોઇટર્સ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે ઇબ્રાહિમ કબીસીની બેરૂતના દાહામાં હત્યા કરવામાં આવી હતી. તે હિઝબુલ્લામાં ટોચનો કમાન્ડર હતો, જેણે સેક્રેટરી હસન નસરાલ્લાહ સાથે કામ કર્યું હતું.
સોમવારે ઇઝરાયેલે લેબનોનની અંદર 1600 હિઝબુલ્લાહના અડ્ડાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. જેમાં 585 લોકો માર્યા ગયા હતા, જ્યારે 1645 લોકો ઘાયલ થયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર મૃતકોમાં 35 બાળકો અને 58 મહિલાઓનો સમાવેશ થાય છે. ઇઝરાયેલના હુમલા બાદ હજારો સ્થાનિક લોકો તેમના ઘર છોડીને ભાગી જતા જોવા મળ્યા હતા. IDFના પ્રવક્તા ડેનિયલ હગારીએ કહ્યું, “અમે યુદ્ધ નથી ઇચ્છતા. અમે અમારા પર મંડરાતા જોખમોને ખતમ કરવા માંગીએ છીએ.”