Hemant Soren: EDના ધિકારીઓ ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનના ઘરે પહોંચ્યા, JMMનો વિરોધ
રાંચી: ઝારખંડના કથિત જમીન કૌભાંડ અંગે પૂછપરછ કરવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓ આજે શનિવારે રાજ્યના મુખ્ય પ્રધાન હેમંત સોરેનના રાંચી સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા હતા. EDએ અગાઉ 16 અને 20 જાન્યુઆરીની વચ્ચે આ મામલે પૂછપરછ માટે ઉપલબ્ધ રહેવા માટે હેમંત સોરેનને પત્ર મોકલ્યો હતો. સોરેને EDને 20 જાન્યુઆરીએ તેમના નિવાસસ્થાને આવીને તેમનું નિવેદન રેકોર્ડ કરવા જણાવ્યું હતું.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓ હાલ હેમંત સોરેનની પૂછપરછ કરી રહ્યા છે, ત્યારે ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરવા રસ્તાઓ પર ઉતરી આવ્યા છે, ત્યારે જામતારાના વિધાન સભ્ય ડૉ ઈરફાન અન્સારી મુખ્ય પ્રધાન હેમંત સોરેનને ગળે લગાવીને રડતા જોવા મળ્યા હતા. પોતાને સોરેનના હનુમાન ગણાવતા અન્સારીને મુખ્ય પ્રધાને ધીરજ રાખવા જણાવ્યું. તેણે કહ્યું, ‘હું મારા દુશ્મનો સામે જીતીને જલ્દી પરત આવીશ, મારી રાહ જુઓં.’
સાત સમન્સની અવગણના કર્યા બાદ સોરેનનો આજે ED સાથે સામનો થયો છે. રાજધાની રાંચીમાં સવારથી જ JMM કાર્યકર્તાઓની ભારે ચહલપહલ જોવા મળી રહી છે. મુખ્ય પ્રધાનના આવાસની આસપાસ સુરક્ષા સઘન બનવવામાં આવી છે. રાંચીમાં JMMના કાર્યકર્તાઓ ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
પક્ષના આદિવાસી સમર્થકો મોટી સંખ્યામાં હાથમાં ધનુષ અને તીર લઈને પહોંચ્યા હતા. ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકરો હેમંત સોરેનના માસ્ક પહેરીને વિરોધ કરી રહ્યા છે. મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને પહોંચવા માટે પ્રયાસો થઈ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઝારખંડના મુખ્ય પ્રધાન અને ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) ના કાર્યકારી પ્રમુખ હેમત સોરેને અગાઉ EDએ પાઠવેલા સાત સમન્સની અવગણના કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટી (BJP)ની કેન્દ્ર સરકારે તેમની સરકારને અસ્થિર કરવા માટે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે.