તમિલનાડુમાં ભારે વરસાદને કારણે તબાહી, અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ

ચેન્નઈ: તમિલનાડુના દક્ષિણી જિલ્લાઓ જેમાં થૂથુકુડી, તિરુનેલવેલી, તેનકાસી, કન્યાકુમારી અને રામનાથપુરમ, તુતીકોરિન અને તેનકાસી જિલ્લામાં આજે સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. હવામાન વિભાગે તમિલનાડુના પૂર્વી તટીય વિસ્તારો અને મન્નારની ખાડી પર ચક્રવાતી પવનની ચેતવણી પણ આપી છે. IMDની આગાહી અનુસાર 18 ડિસેમ્બરે તમિલનાડુના કન્યાકુમારી, તિરુનેલવેલી, થૂથુકુડી, રામનાથપુરમ, પુડુકોટ્ટાઈ અને તંજાવુર જિલ્લાઓમાં એક કે બે જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે 19 ડિસેમ્બરે તમિલનાડુના કન્યાકુમારી, તિરુનેલવેલી, થૂથુકુડી, પુડુચેરી, કરાઈકલમાં અને રામનાથપુરમ જિલ્લામાં એક કે બે જગ્યાએ ભારે વરસાદ, વાવાઝોડું અને વીજળી પડવાની સંભાવના છે.
તેમજ 18 ડિસેમ્બર એટલે કે બંગાળની દક્ષિણ-પશ્ચિમ ખાડી, શ્રીલંકા-તામિલનાડુના દરિયાકાંઠા, મન્નારનો અખાત, કોમોરિન વિસ્તારમાં પવનની ગતિ 40-45 કિમી પ્રતિ કલાક અને 55 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઇ શકે છે. કેરળના તટ વિસ્તારોમાં અને લક્ષદ્વીપ વિસ્તારમાં પણ ભારે પવનની ફૂંકાવાની શક્યતાઓ છે. તેથી હવામાન વિભાગે માછીમારોને દરીયામાં ના જવાની ચેતવણી આપી હતી. જેના પગલે 25થી વધુ માછીમારોએ 650થી વધુ બોટ અને 3,300 ફાઈબર બોટને દરિયાકિનારે લાંગરી દીધી હતી.
આ ઉપરાંત ચેન્નઈમાં આગામી 24 કલાક સુધી આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેશે અને કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદની શક્યતા છે. ચેન્નઈમાં પણ માછીમારોને દરિયો ના ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.