
નવી દિલ્હી: ભારતના પહાડી વિસ્તારોથી મેદાની વિસ્તારો સુધી વરસાદે હાહાકાર મચાવ્યો છે. દિલ્હી-એનસીઆર, પંજાબ જેવા રાજ્યોમાં સતત વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે હવામાન વિભાગે દિલ્હી-એનસીઆરમાં 6 સપ્ટેમ્બર સુધી ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી ઉચ્ચારી છે, જ્યારે પંજાબમાં નદીઓનું ઉફનતું પાણી અને ગુજરાતમાં પણ વરસાદનો માહોલ લોકોની મુશ્કેલીઓ વધારી રહ્યો છે.
દિલ્હી-એનસીઆરમાં પૂરનો ખતરો
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર ભયજનક સપાટીથી લગભગ 2 મીટર ઉપર વહી રહી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે. હવામાન વિભાગે આગામી 3 કલાકમાં દિલ્હી અને એનસીઆરમાં ભારેથી અતિભારે વરસાદ અને આંધીનું એલર્ટ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ચોમાસાની સિઝનમાં 1000 મિલી મીટરથી વધુ વરસાદ વરસ્યો છે. જેમાં ઓગસ્ટ મહિનામાં જ 774 મિલીમીટરનો વાર્ષિક સરેરાશ આંકડો પાર થઈ ગયો હતો. રાહત શિબિરોમાં પણ યમુનાનું પાણી પહોંચી ગયું છે, જેના કારણે મયૂર વિહાર જેવા વિસ્તારોમાં 1000થી વધુ પરિવારોને સ્થળાંતર કરવું પડી રહ્યું છે. વર્ષ 1963 પછી આ પાંચ વખત એવુ બન્યુ છે કે યમુના નદી 207 મીટર ઉપર વહી રહી હોય.
પંજાબમાં આકાશી આફત
પંજાબમાં સતલુજ, બ્યાસ અને રાવી નદીઓ ગાંડીતૂર બની છે. જેના કારણે રાજ્યના 23 જિલ્લાઓ પૂરની ઝપેટમાં આવી ગયા છે. પૂરના કારણે ખેતી અને પશુધનને ભારે નુકસાન પહોંચાડ્યું છે, અને રાજ્યની તમામ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ 7 સપ્ટેમ્બર સુધી બંધ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે પંજાબની મુલાકાત લઈને સ્થિતિનું નિરીક્ષણ કરશે અને રાહત કાર્યોની સમીક્ષા કરશે.
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ વચ્ચે, મંડી જિલ્લામાં ભૂસ્ખલન બાદ બચાવ કાર્યકરોએ કાટમાળમાંથી વધુ ચાર મૃતદેહો બહાર કાઢ્યા છે, જ્યારે કુલ્લુ જિલ્લામાં બે મકાનો ધરાશાયી થવાથી NDRF જવાન સહિત બે લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પૂરથી ગંભીર રીતે પ્રભાવિત 21 નદીઓમાં બિહારમાં નવ, ઉત્તર પ્રદેશમાં આઠ અને દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં એક-એક નદીનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં પણ ભારે વરસાદે ખેડૂતો અને સામાન્ય લોકોની ચિંતા વધારી છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે, જેના કારણે રસ્તાઓ અને ખેતરો પર પાણી ફરી વળ્યું છે. ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં પણ ભારે વરસાદને કારણે નદીઓનું જળસ્તર વધ્યું છે, જ્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં સતત વરસાદે જનજીવનને અસ્ત વ્યસ કરી દીધુ છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરી છે, જેના કારણે રાહત અને બચાવ કાર્યોને વધુ મજબૂત કરવાની જરૂર છે.
દિલ્હી, પંજાબ અને ગુજરાતમાં વહીવટી તંત્ર રાહત કાર્યોમાં લાગેલું છે. દિલ્હીમાં રાહત શિબિરોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે, જ્યારે પંજાબમાં સ્થાનિક અને કેન્દ્રીય સ્તરે નુકસાનનું મૂલ્યાંકન શરૂ થઈ ગયું છે. ગુજરાતમાં પણ સ્થાનિક વહીવટ અને એનજીઓ દ્વારા પ્રભાવિત લોકોને મદદ પૂરી પાડવામાં આવી રહી છે. હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને, લોકોને સુરક્ષિત સ્થળો પર રહેવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો…નર્મદા ડેમ છલકાવાથી 3.3 મીટર દૂર, રાજ્યમાં સૌરાષ્ટ્ર ઝોનમાં સિઝનનો સૌથી ઓછો વરસાદ…