પંજાબમાં ભારે વરસાદથી જળબંબાકારઃ 4 દિવસ શાળાઓમાં રજા જાહેર…
મનાલીમાં પૂરનો કહેર, હોટેલ અને ચાર દુકાનો ધરાશાયી, લેહ હાઈવે બંધ

ચંદીગઢ/શિમલાઃ ઉત્તર ભારતમાં કાશ્મીરથી લઈને રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે મોટા ભાગના રાજ્યમોમાં જાનમાલને નુકસાન થયું છે. ભારે વરસાદની આગાહીને પગલે પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને 27થી 30 ઓગસ્ટ સુધી રાજ્યની તમામ શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે.
છેલ્લા બે દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે રાજ્યના અનેક જિલ્લાઓના ગામડાઓમાં પાણી ભરાઈ ગયા છે. છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે અને હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો માટે પણ ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદને કારણે ભારે તબાહી સર્જાઈ છે.
ભગવંત માને ‘એક્સ’ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે “આને ધ્યાનમાં રાખીને રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક સરકારી અને ખાનગી શાળાઓ 27 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી બંધ રહેશે.
જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં તેમના કેચમેન્ટ વિસ્તારોમાં ભારે વરસાદ અને પંજાબમાં અવિરત વરસાદને કારણે સતલજ, બિયાસ અને રાવી નદીઓ અને અન્ય નદીઓમાં પૂર છે જેના કારણે આ નદીઓના કાંઠામાં આવેલા ગામોમાં ખેતીની જમીનનો મોટો ભાગ ડૂબી ગયો છે.
પોંગ અને ભાખડા ડેમમાંથી વધારાનું પાણી છોડવાથી પંજાબના ઘણા જિલ્લાઓના ગામો માટે સમસ્યાઓ વધી રહી છે. સૌથી વધુ અસરગ્રસ્ત ગામો પઠાણકોટ, ગુરદાસપુર, ફાઝિલ્કા, કપૂરથલા, તરનતારન, ફિરોઝપુર અને હોશિયારપુર જિલ્લાઓમાં છે.

હિમાચલ પ્રદેશમાં કુદરતનો પ્રકોપ યથાવત છે. ભારે વરસાદને કારણે અહીં અનેક સ્થળોએ ભૂસ્ખલન અને અચાનક પૂર આવવાની ઘટના બની હતી. કેટલાક સ્થળોએ પૂરના કારણે દુકાનો અને ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી. હાઇ-વે સાથેનો સંપર્ક તૂટી ગયો હતો અને રહેણાંક વિસ્તારો ડૂબી ગયા હતા.
આજે વહેલી સવારે કુલ્લુ જિલ્લાના મનાલીમાં બિયાસ નદીના જોરદાર પ્રવાહે એક બહુમાળી હોટલ અને ચાર દુકાનો ધોવાઈ ગઈ હતી. તેમના મતે નદીની જળસપાટી વધતા મનાલીના બટાકાના ખેતરમાં પાણી ઘૂસી ગયું અને મનાલી-લેહ હાઇવે બંધ થઈ ગયો હતો. કુલ્લુમાં નાળામાંથી પાણી ઘરોમાં ઘૂસી ગયા હતા.
અધિકારીઓએ કહ્યું હતું કે સોમવાર રાતથી બનેલી કોઈપણ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. સ્થાનિક હવામાન વિભાગે મંગળવારે કાંગડા, ચંબા અને લાહૌલ અને સ્પીતિ જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ તીવ્ર વરસાદની ચેતવણી જાહેર કરતા રેડ એલર્ટ આપ્યું હતું.
ઉના, હમીરપુર, બિલાસપુર, સોલન, મંડી અને કુલ્લુ જિલ્લાઓ અને શિમલા શહેરમાં ભારે વરસાદ માટે ‘ઓરેન્જ’ એલર્ટ પણ જાહેર કર્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર મનાલી-લેહ હાઇવે અનેક સ્થળોએ બંધ થઈ ગયો હતો.
સોમવારે મોડી રાત્રે મંડી જિલ્લાના બાલીચૌકી વિસ્તારમાં લગભગ 40 દુકાનો ધરાવતી બે ઇમારતો ધરાશાયી થઈ હતી. ખતરનાક બન્યા બાદ ઇમારતને ખાલી કરાવી દેવામાં આવી હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી.
વિવિધ જિલ્લા વહીવટીતંત્રોએ તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. કુલ્લુ જિલ્લા વહીવટીતંત્રે મંડી, કાંગડા, ચંબા, ઉના, બિલાસપુર, હમીરપુર, સોલન અને બંજર દ્વારા આ સંબંધમાં આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. ધોધમાર વરસાદને કારણે ભૂસ્ખલન થયું અને વૃક્ષો ઉખડી ગયા જેના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા હતા.
આ પણ વાંચો…જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ, વૈષ્ણો દેવી યાત્રાને કામચલાઉ ધોરણે સ્થગિત કરાઈ…