નેશનલ

રાજસ્થાનમાં વાવાઝોડું અને વરસાદ: ખૈરથલ-તિજારામાં માતા-પુત્રીના મોત

જયપુરઃ રાજસ્થાનના ઘણા ભાગોમાં ધૂળનું તોફાન અને વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. ખૈરથલ-તિજારા જિલ્લામાં એક ઘરની દિવાલ ધરાશાયી થતાં એક મહિલા અને તેની પુત્રીનું મોત થયું હતું.

શનિવારે મોડી રાત્રે આવેલા તોફાનને કારણે બિકાનેર, સીકર અને ઝુનઝુનુના કેટલાક ભાગોમાં વીજળીના થાંભલા અને વૃક્ષો ધરાશાયી થવાથી વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો.

ખૈરથલ-તિજારા જિલ્લાના ભિવાડીમાં સુમાયા(૨૧) અને તેની એક વર્ષની પુત્રી ઘરની દીવાલ તૂટી પડતાં જીવતા દટાઇ ગયા હતા. આ ઘટનામાં ઘાયલ થયા બાદ તેના પતિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

આપણ વાંચો: દિલ્હીમાં ભયંકર વરસાદ સાથે કાશ્મીરમાં ફ્લાઈટનું ઈમર્જન્સી લેન્ડિંગ; ઈન્ડિગોએ જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી

વાવાઝોડાને કારણે અનેક વીજળીના થાંભલા ઉખડી ગયા અને હોર્ડિંગ્સ વીજળીના તાર પર પડી ગયા હતા. જેના કારણે વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. બાદમાં કેટલાક વિસ્તારોમાં પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો હતો. આ જ રીતે સીકરમાં પણ વાવાઝોડાને કારણે વીજળીનો ટાવર ધરાશાયી થયો હતો. જેના કારણે વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો.

વાવાઝોડાને કારણે બાડમેર અને જેસલમેરમાં ધૂળની આંધી આવી હતી. જેના કારણે દ્રશ્યતા ઘટી ગઇ હતી. ઝુનઝુનુમાં ભારે પવન અને વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં વીજળી ખોરવાઇ હતી. ગંગાનગર અને હનુમાનગઢ જિલ્લાઓ પણ ખરાબ હવામાનથી પ્રભાવિત થયા હતા.

આપણ વાંચો: મુંબઈમાં ભારે કમોસમી વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, હવામાન વિભાગે કરી આ આગાહી…

જોધપુર અને જેસલમેરમાં કેટલાક સ્થળોએ વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ ૫૩ મીમી વરસાદ હનુમાનગઢના નોહરમાં નોંધાયો હતો. ત્યારબાદ ઝુનઝુનુના પિલાનીમાં ૪૯.૮ મીમી, સીકરમાં ૩૮ મીમી અને તિજારામાં ૩૫ મીમી વરસાદ નોંધાયો હતો. શનિવારે બાડમેરમાં મહત્તમ તાપમાન ૪૭.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે સામાન્ય કરતાં ૫.૩ ડિગ્રી વધારે હતું.

હવામાન વિભાગે સોમવારે જેસલમેર, બાડમેર અને બિકાનેરમાં ભીષણ ગરમીની ચેતવણી સાથે રેડ એલર્ટ જારી કર્યું છે. જ્યારે જોધપુર માટે ઓરેન્જ એલર્ટ અને નાગૌર, પાલી, જાલોર, ભીલવાડા, ચિત્તોડગઢ જિલ્લાઓ માટે યેલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button