તેલંગણા પર હજુ ભારે વરસાદનું તોળાતું જોખમ, આંધ્ર પ્રદેશમાં આર્મી બની દેવદૂત
હૈદરાબાદ-વિજયવાડા: સમગ્ર દેશમાં ફરી એક વખત ચોમાસું સક્રિય થઈ રહ્યું છે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર પછી આંધ્ર પ્રદેશ, તેલંગણામાં વરસાદે વિનાશ વેર્યો હતો, જ્યારે હજુ પણ દરિયાઈ કિનારાના પ્રદેશોમાં પર આગામી ચારેક દિવસ ભારે વરસાદનું જોખમ તોળાઈ રહ્યું હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.
દક્ષિણ ભારતમાં તેલંગણા અને આંધ્ર પ્રદેશમાં હજુ પણ ભારે વરસાદ પડવાનું જોખમ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે નવમી સપ્ટેમ્બર સુધી તેલંગણાના અનેક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. આગામી ચાર દિવસ માટે આઈએમડીએ યલો એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગના અહેવાલ અનુસાર દરિયા કિનારાના પ્રદેશ સહિત આંધ્ર પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોની સાથે પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાન આવવાનું જોખમ તોળાઈ રહ્યું છે. વરસાદ સંબંધિત બનાવમાં આંધ્ર પ્રદેશ (19) અને તેલંગણા (16)માં 35 જણનાં મોત થયા છે, જ્યારે 47,000થી વધુ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. આંધ્ર પ્રદેશમાં વરસાદના વિનાશ વચ્ચે આર્મી રાત-દિવસ એક કરીને અસરગ્રસ્ત વિસ્તારોને પુરમુક્ત બનાવવા કમર કસી હોવાનું સરકારે જણાવ્યું હતું.
આંધ્ર પ્રદેશમાં એન્જિનિયરિંગ ટાસ્ક ફોર્સ ઉતારી
ભારતીય સેનાની ‘એન્જિનિયરિંગ ટાસ્ક ફોર્સ’ આંધ્ર પ્રદેશના વિજયવાડામાં બુડામેરુ નામની નદીના પાળામાં પડેલી તિરાડને પુરવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે આ ઘટના બાદ શહેરમાં પૂર આવ્યું હતું. બે તિરાડો પૂરી દેવામાં આવી છે અને ટાસ્ક ફોર્સ ત્રીજી તિરાડ પુરવા માટે રાજ્ય સરકારના અધિકારીઓ સાથે કામ કરી રહી છે.
ભારતીય સેનાની ‘એન્જિનિયરિંગ ટાસ્ક ફોર્સ’ તિરાડોને પુરવામાં વ્યસ્ત છે. સત્તાવાળાઓએ યુદ્ધના ધોરણે બે તિરાડો પુરી દીધી છે અને આર્મી અધિકારીઓની મદદથી ત્રીજી તિરાડને પુરવાનું કામ ચાલી રહ્યું છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે કસી કમર, ગડકરીને સોંપી મોટી જવાબદારી
અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય પૂરી પડાઈ
મુખ્ય પ્રધાન એન. ચંદ્રબાબુ નાયડુએ ગઈકાલે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને તિરાડોને પુરવાના કામની સમીક્ષા કરી હતી. તેમણે તમામ વિભાગોને સામેલ કરીને ત્રીજી તિરાડ વહેલી તકે પુરવા માટે અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા. તે સિવાય ટેન્કરો પાણી પુરુ પાડવા, વીજ પુરવઠો, ટેલિકોમ સિગ્નલ કનેક્ટિવિટી અંગે પણ પૂછપરછ કરી હતી. મુખ્યમંત્રીએ પૂર પીડિતોને છ આવશ્યક ચીજવસ્તુઓના વિતરણ વિશે પણ પૂછપરછ કરી અને અધિકારીઓએ મુખ્યપ્રધાનને જણાવ્યું કે વસ્તુઓ પેક થઈ ગઈ છે અને તેનું વિતરણ શરૂ થઈ ગયું છે.
આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કરવા માટે વિજયવાડામાં વાહનોનો કાફલો પહેલેથી જ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં પીડિતો માટે 25 કિલો ચોખા, એક કિલો દાળ, એક કિલો ખાંડ, બે કિલો ડુંગળી, બે કિલો બટાકા અને એક લિટર તેલનો સમાવેશ થાય છે. નાગરિક પુરવઠામંત્રી એન. મનોહરે જણાવ્યું હતું કે વિતરણ માટે 1,200 વાહનો તૈયાર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ કેસરપલ્લી ગામમાં પૂરગ્રસ્ત ખેડૂતોને મળ્યા હતા.