ટોપ ન્યૂઝનેશનલ

સિક્કિમમાં મેઘતાંડવ: ભૂસ્ખલનને કારણે 1500 પ્રવાસીઓ ફસાયા, 8 ગુમ…

ગંગટોક: છેલ્લા કેટલાક દિવસોથી સતત ભારે વરસાદને કારણે ઉત્તરપૂર્વના રાજ્યોમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. સિક્કિમના ઉત્તર વિસ્તારમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓ (Heavy rain and Landslide in Sikkim) બની છે. કાટમાળ પડતા રાજ્યના ઘણા મુખ્ય રસ્તાઓ બ્લોક થઈ ગયા છે, જેને કારણે 1,500 પ્રવાસીઓ ફસાયા (Tourist Stranded) હતા, જ્યારે આઠ પ્રવાસીઓ લાપતા હોવાના અહેવાલ છે.

ગુરુવારે રાત્રે મંગન જિલ્લામાં લાચેન-લાચુંગ હાઇવે પર મુનસિથાંગ નજીક એક વાહન નદીમાં 1,000 ફૂટથી વધુ ઊંડાણમાં ખાબક્યું હતું, વાહનમાં સવાર 11 માંથી આઠ પ્રવાસીઓ ગુમ છે. આ અકસ્માતમાં એક વ્યક્તિના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે બે લોકો ઘાયલ થયા છે.

રેસક્યુ ઓપરેશનમાં વિક્ષેપ:
ગુમ થયેલા પ્રવાસીઓની શોધ માટે ઓપરેશન ચલવવામાં આવી રહ્યું છે, પરંતુ શનિવારે ભારે વરસાદને કારણે પ્રવાસીઓની શોધખોળમાં વિક્ષેપ પડ્યો હતો. તિસ્તા નદીના પાણીનું સ્તર વધવાને કારણે રેસ્ક્યુ ઓપરેશન સ્થગિત કરવામાં આવ્યું હતું.

વાહનમાં સવાર 11 પ્રવાસીઓમાંથી ઓડિશાના સ્વયં સુપ્રતિમ નાયક અને સાઈરાજને બચાવી લેવામાં આવ્યા હતા, તેમની ગંગટોકની STNM હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ગુમ થયેલા પ્રવાસીઓમાં ઓડિશાના ચાર (અજીત કુમાર નાયક, સુનિતા નાયક, સાહિલ જેના, ઇતશિરી જેના), ત્રિપુરાના બે (દેવજ્યોતિ જોય દેવ, સ્વપ્નાનીલ દેબ) અને ઉત્તર પ્રદેશના બે (કૌશલેન્દ્ર પ્રતાપ સિંહ, અંકિતા સિંહ)નો સમાવેશ થાય છે.

મંગન જિલ્લા કલેક્ટરના નિવેદન મુજબ અકસ્માત સ્થળ નજીક નદી કિનારેથી ચાર આઈડી કાર્ડ અને છ મોબાઇલ ફોન મળી આવ્યા છે. વાહનમાં સવાર લોકોમાં ઉત્તર સિક્કિમના સિંઘિકના રહેવાસી પાસંગ દેનુ શેરપા નામનો ડ્રાઇવરનો પણ સમાવેશ થાય છે.

1,500 પ્રવાસીઓ ફસાયા:
મંગન જુલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારી એ જણાવ્યું હતું કે, લાચેનમાં 1,15 પ્રવાસીઓ અને લાચુંગમાં 1,350 પ્રવાસીઓ ફસાયેલા છે. અનેક સ્થળોએ ભૂસ્ખલનને કારણે બંને દિશામાંથી બહાર નીકળવાનો રસ્તો બંધ હોવાથી, પ્રવાસીઓને તેમની હોટલોમાં રહેવાની સલાહ આપવામાં આવી છે, અને રસ્તાઓ સંપૂર્ણપણે ખુલી ગયા પછી, તેમને અન્યત્ર ખસેડવામાં આવશે.

લોકોને સાવધ રહેવા અપીલ:
ભારતીય હવામાન વિભાગ(IMD)એ લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, શક્ય હોય તો ઘરમાં જ રહેવા અને નદી કિનારા અને અસ્થિર ઢોળાવોથી દૂર રહેવા વિનંતી કરી છે. સતત ભારે વરસાદને કારણે તિસ્તા નદી કાંઠા તોડીને વહી રહી છે.

જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, ઉત્તર સિક્કિમના થેંગ અને ચુંગથાંગ વિસ્તારોમાં ભૂસ્ખલન થયું હતું, જેના કારણે કેટલીક પ્રોપર્ટીને નુકસાન થયું હતું.

સંબંધિત લેખો

Back to top button