કેરળમાં ભારે વરસાદથી વ્યાપક નુકસાનઃ આઠ જિલ્લામાં રેડ એલર્ટ

તિરુવનંતપુરમ : કેરળમાં ભારે વરસાદથી વ્યાપક નુકસાન થયું છે અને ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ આજે રાજ્યના આઠ જિલ્લા માટે રેડ એલર્ટ જારી કર્યું છે.
આઇએમડી એ પઠાણમથિટ્ટા, કોટ્ટાયમ, એર્નાકુલમ, ઇડુક્કી, કોઝિકોડ, વાયનાડ, કન્નુર અને કાસરગોડ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કર્યું હતું અને બાકીના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું હતું. શુક્રવાર માટે ત્રણ જિલ્લાઓ – ઇડુક્કી, કન્નુર અને કાસરગોડ માટે રેડ એલર્ટ અને બાકીના ૧૧ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું હતું.
રેડ એલર્ટ એટલે ૨૪ કલાકમાં ૨૦ સેમીથી વધુ ભારેથી અતિ ભારે વરસાદ, જ્યારે ઓરેન્જ એલર્ટ એટલે ૧૧ સેમીથી ૨૦ સેમી સુધી ભારે વરસાદ અને પીળા એલર્ટ એટલે ૬ સેમીથી ૧૧ સેમી સુધી ભારે વરસાદ પડવાની શક્યતા.
દિવસની શરૂઆતમાં આઇએમડીએ જણાવ્યું હતું કે બંગાળની ખાડી પર તીવ્ર નીચા દબાણને કારણે, આગામી થોડા દિવસો રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. તેણે એમ પણ કહ્યું હતું કે રાજ્યના કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદ અને ૪૦-૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા વાવાઝોડાની સંભાવના છે.
આપણ વાંચો: આજે પણ મુંબઈમાં ભારે વરસાદઃ દક્ષિણ મુંબઈમાં એક કલાકમાં ચાર ઈંચ…
કેરળ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળએ જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે, રાજ્યની વિવિધ નદીઓ – પઠાણમથિટ્ટામાં મણિમાલા અને અચંકોવિલ, કોટ્ટાયમમાં મીનાચિલ, કોઝિકોડમાં કોરાપુઝા અને વાયનાડ જિલ્લાઓમાં કબાની – માં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે.
આ નદીઓના કિનારે રહેતા લોકોને સતર્ક રહેવાની સલાહ આપી હતી. રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન પડેલા વરસાદ અને ભારે પવનને કારણે વ્યાપક નુકસાન થયું છે, જેમાં વૃક્ષો ધરાશાયી થયા છે, વીજળીના થાંભલા પડી ગયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.