
કોલકાતા: ભારતમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાયનો સમય આવી ગયો છે, પરંતુ દેશના ઘણા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર બંગાળ અને સિક્કિમમાં વરસેલા ભારે વરસાદે તારાજી સર્જી છે. પૂર અને ભૂસ્ખલનને કારણે પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ અને કાલિમપોંગ જીલ્લામાં સૌથી વધુ નુકશાન થયું છે, સિક્કિમના મોટા ભાગના વિસ્તારમાં જનજીવન ખોરવાઈ ગયું છે, અત્યાર સુધી 20 લોકોના મોત નીપજ્યા (West Bengal and Sikkim Flood) છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી આજે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જાનહાની અંગે શોક વ્યક્ત કર્યો છે.
અહેવાલ મુજબ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ અને કાલિમપોંગ જિલ્લામાં અલગ અલગ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત નોંધાયા છે, હજુ પણ કેટલાક લોકો ગુમ છે. આ મૃત્યુઆંક વધવાની શકયતા છે. દાર્જિલિંગ જિલ્લાના મિરિકમાં ભૂસ્ખલનથી છ લોકોના મોત થયા છે. મિરિક અને કુર્સિઓંગ શહેરોને જોડતો ડુડિયા આયર્ન બ્રિજ ધરાશાયી થતા 7 લોકોના મોત થયા છે.
મુશ્કેલ પરિસ્થિતિમાં બચાવ કાર્ય:
સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), સ્થાનિક વહીવટીતંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો બચાવ અને રાહત કામગીરી કરી રહી છે, પરંતુ વરસાદ સતત વરસી રહ્યો છે, જેને કારણે બચાવ કાર્ય મુશ્કેલ બની રહ્યું છે. વહીવટીતંત્રે લોકોને પહાડી રસ્તાઓ અને નદી કિનારાથી દૂર રહેવા અપીલ કરી છે.
મુખ્ય પ્રધાન મુલાકાત લેશે:
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ પૂરથી પ્રભાવિત પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવાનું વચન આપ્યું છે. તેઓ આજે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે અને પરિસ્થિતિનું આંકલન કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુએ પણ જાનમાલના નુકશાન અંગે દુખ વ્યક્ત કર્યું છે અને શક્ય તમામ સહાયની ખાતરી આપી છે.
આ વિસ્તારોમાં જનજીવન ખોરવાયું:
અહેવાલો અનુસાર, ભૂસ્ખલનને કારણે ઘણા હાઈવે બંધ કરવામાં આવ્યા છે, વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. પશ્ચિમ બંગાળના જલપાઈગુડી અને રાજગંજ જીલ્લાના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે પાક નાશ પામ્યો છે.
હજુ પણ વરસાદની આગાહી:
હવામાન વિભાગે પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ, કાલિમપોંગ, કૂચ બિહાર, જલપાઈગુડી અને અલીપુરદ્વારમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. પશ્ચિમ ઝારખંડ, દક્ષિણ બિહાર અને દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદની આગાહી છે.
આ પણ વાંચો…નેપાળમાં વરસાદી આફતઃ ભૂસ્ખલન અને પૂરને કારણે 42 લોકોનાં મોત, હવાઈ સેવા પર અસર