
લખનઉઃ ઉત્તર પ્રદેશમાં એક જ દિવસમાં અલગ અલગ કારણોસર 54 લોકોના મોત થયા હતા. રાજ્યના રાહત કમિશનરની કચેરીએ કહ્યું હતું કે રાજ્યમાં વીજળી પડવાથી, સાપ કરડવાથી અને ડૂબી જવાના કારણે એક જ દિવસમાં 54 લોકોએ જીવ ગુમાવ્યો છે. તમામ મૃત્યુ બુધવારે સાંજે 7 વાગ્યાથી ગુરુવારે સાંજે 7 વાગ્યાની વચ્ચે થયા હતા. મોટાભાગના મૃત્યુ બુધવારે વીજળી પડવાના કારણે થયા હતા.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પ્રતાપગઢ જિલ્લામાં સૌથી વધુ મૃત્યુ થયા છે જ્યાં બુધવારે વીજળી પડવાથી 12 લોકોના મોત થયા છે. તે સિવાય વીજળી પડવાથી સુલતાનપુરમાં સાત અને ચંદૌલીમાં છ, પ્રયાગરાજ અને ફતેહપુરમાં ચાર, હમીરપુરમાં બે લોકોના મોત થયા હતા.
આ પણ વાંચો: Monsoon 2024 : ઉત્તર પ્રદેશ- રાજસ્થાન સહિત દેશના અનેક રાજ્યો આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહી
ઉત્તર પ્રદેશ રાહત કમિશનરની ઓફિસના નિવેદન અનુસાર, બુધવારે ઉન્નાવ, અમેઠી, ઇટાવા, સોનભદ્ર, ફતેહપુર અને પ્રતાપગઢમાં એક-એક વ્યક્તિનું અને ગુરુવારે વીજળી પડવાને કારણે પ્રતાપગઢ અને ફતેપુરમાં એક-એક વ્યક્તિનું મોત થયું હતું.
ડૂબી જવાની ઘટનાઓમાં નવ લોકોના મોત થયા હતા. ફતેહપુર અને પ્રતાપગઢમાં ત્રણ-ત્રણ, ઇટાહમાં બે અને બાંદામાં એકનું મોત થયું હતું. અમેઠી અને સોનભદ્રમાં સાપ કરડવાથી એક-એક વ્યક્તિનું મોત થયું હતું.