Heat Wave: સૂર્યદેવ પૂર્વ ભારત પર કોપાયમાન, આ વિસ્તારમાં 47°C તાપમાન નોંધાયું

દેશભરના અલગ અલગ વિસ્તારોમાં હિટ વેવને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, દરરોજ લૂ લાગવાના સેંકડો બનાવો બની રહ્યા છે. એવામાં પૂર્વ ભારત પર સૂર્યદેવ કોપાયમાન થયા હોય એવું લાગી રહ્યું છે. પૂર્વ ભારતના રાજ્યો કાળઝાળ ગરમી પડી રહી છે.
ગઈ કાલે 30 એપ્રિલ, 2024 નો દિવસ પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઓડિશાના લોકો માટે અસહ્ય રહ્યો. આ રાજ્યોમાં સામાન્ય સરેરાશ તાપમાન કરતા ઘણું ઊંચું તાપમાન નોંધાઈ રહ્યું છે
સામાન્ય તાપમાનથી હાલના તાપમાનમાં સૌથી મોટો તફાવત પશ્ચિમ બંગાળના કલાઈકુંડામાં નોંધાયો હતો, જ્યાં મહત્તમ તાપમાન 47.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સરેરાશ તાપમાન કરતા 10.4 ડિગ્રી સેલ્સિયસ વધારે હતું. પશ્ચિમ બંગાળના દમદમ અને ઉલુબેરિયા સહિતના શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો.
ઝારખંડના પૂર્વ સિંઘભૂમ જિલ્લામાં સ્થિત બહારગોરામાં મહત્તમ તાપમાન 47.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
ઓડિશા લોકો પણ હિટ વેવને કારણે હેરાન પરેશાન છે. બારીપાડામાં 46.4°C અને બાલાસોર 46.0°C મહત્તમ તાપમાન નોંધાયું હતું.
બિહારના ફારબીસગંજમાં તાપમાન 41.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જોકે, થોડા દિવસો પહેલા જ બિહારના ઘણા વિસ્તારોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રીએ પહોંચી ગયું હતું.
તેલંગાણામાં તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, રામાગુંડમમાં 44.4 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું છે.