
નવી દિલ્હી: દેશના મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી આકારો તાપ(Heatwave) પડી રહ્યો છે, લોકો ગરમીથી રાહત માટે વરસાદની રાહ જોઈ રહ્યા છે. તાજેતરના આંકડા મુજબ આ વર્ષે ગરમીએ છેલ્લા 15 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ વખતે ઉનાળાની શરૂઆતથી જ ગરમ પવનો ફૂંકાવા લાગ્યા હતા. હવામાન વિભાગ (IMD)ના ડેટા દર્શાવે છે કે ઓછામાં ઓછા આઠ રાજ્યોમાં 2010 પછીના સૌથી ગરમ દિવસો નોંધાયા છે. આ વર્ષે પ્રથમ વખત હિમાચલ પ્રદેશ અને કેરળમાં પણ હીટવેવ નોંધાઈ હતી.
હવામાન વિભાગ (IMD)ના ડેટા અનુસાર, ઓડિશામાં 1 માર્ચથી 9 જૂન વચ્ચે 27 દિવસ સુધી હીટવેવ નોંધઈ હતી, દેશના કોઈપણ રાજ્ય કરતા ઓડીશામાં સૌથી વધુ ગરમ દિવસો નોંધાયા હતા. રાજસ્થાનમાં 23 દિવસ હીટવેવ નોંધાઈ હતી, જ્યારે હરિયાણા, દિલ્હી અને યુપીમાં ઓછામાં ઓછા 20 દિવસ હીટવેવ નોંધાઈ હતી. જમ્મુ-કાશ્મીરમાં પણ છ દિવસની હીટવેવ નોંધાઈ છે.
Read this also…
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના ભૂતપૂર્વ વરિષ્ઠ અધિકારી આ વખતે હીટવેવ વિશે કહ્યું, “ઉનાળાની મોસમ હજી પૂરી થઈ નથી, તેથી આપણી પાસે સંપૂર્ણ ડેટા નથી, પરંતુ મને નથી લાગતું કે તેમાં કોઈ શંકા છે, આ વર્ષે હીટવેવ અત્યાર સુધીની સૌથી અસરકારક રહી છે. તેનું એક કારણ એ પણ હોઈ શકે છે કે આ વર્ષે અલ નીનો સીઝન છે.”
તેમણે કહ્યું કે “અમે અલ નીનો પછીના વર્ષમાં આ પ્રકારની હીટવેવ અગાઉ પણ જોવા મળી છે, તેનું ઉદાહરણ 2010 છે. આગામી સમયમાં હીટવેવની અસર વધશે. આનાથી પીવાના પાણી, ખેતરો અને આનાજ કોઠાર પર અસર થશે.”
IMDના ભૂતપૂર્વ વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “થોડા વર્ષો પહેલા સુધી, હીટવેવ મોટાભાગે દેશના ઉત્તરીય મેદાનો અને મધ્ય ભાગો સુધી મર્યાદિત હતા. દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને તેલંગાણાને પણ અસર થઈ હતી પરંતુ દક્ષિણ દ્વીપકલ્પમાં કોઈ મોટા પાયે હીટવેવ જોવા મળતી ન હતી. પરંતુ હવે લગભગ આખો દેશ હીટવેવનો અનુભવ કરી રહ્યો છે, હિમાચલ પ્રદેશ અથવા ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યો અને તમિલનાડુ અને કેરળ જેવા દક્ષિણી રાજ્યો પણ તેની અસર ભોગવી રહ્યા છે.”