ઠંડીથી બચવા પરિવાર તાપણું કરીને ઊંઘી ગયો ને…

નવી દિલ્હીઃ દેશની રાજધાની નવી દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત ઠંડીથી થરથરી રહ્યું છે. ગાત્રો થિજવતી ઠંડીથી બચવા લોકો પોતપોતાના નુસખા અજમાવતા હોય છે. શહેરોમાં તો ઈલેક્ટ્રિક હીટર આવી ગયા છે, પરંતુ ગામડામાં આજે પણ તાપણું કરવાની પરંપરા છે. ગામના ચોકથી માંડી ઘરના આંગણામાં તાપણું કરી લોકો હાથ શેકતા હોય છે ને ગરમાટો મેળવતા હોય છે. દિલ્હીના એક ગામમાં જોકે આ રીતે ગરમીથી રક્ષણ મેળવવાનું એક પરિવાર માટે જીવલેણ સાબિત થયું. રાત્રે તાપણું કરી પોતાના નાનકડા ઘરમાં ઊંઘી ગયેલો પરિવાર સવારે ઉઠયો જ નહીં.
અહીંના અલીપુરના ખેડા કલા ગામમાં પતિ-પત્ની અને બે સંતાનનો પરિવાર રાત્રે તાપણું કરી ઊંઘી ગયો હતો. પ્રાથમિક તપાસ અનુસાર તાપણું ઠરી જાય પછીના ધુમાડાને લીધે તેઓ શ્વાસ લઈ શક્યા નહીં હોય અને તેમના મોત નિપજ્યા હતા. સવારે પડોશમાં રહેનારાઓને શક જતા પોલીસને બોલાવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ત્રણ-ચાર દિવસ પહેલા દિલ્હીના દ્વારકા વિસ્તારમાં એક પરિવાર આ રીતે જ તાપણું કર્યા બાદ શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પામ્યો હતો. જોકે એ ઘટનામાં બે મહિનાનો બાળક બચી ગયો હતો. બાળકના રડવાના અવાજે પડોશીઓને જગાડ્યા હતા અને ઘરનો દરવાજો તોડી જોયું ત્યારે યુવાન દંપતી મૃત અવસ્થામાં મળ્યું હતું.