વક્ફ કાયદા પર સુપ્રીમ કોર્ટમાં SG તુષાર મહેતાની ધારદાર દલીલો: ‘વક્ફ અલ્લાહનો, પણ સરકારી જમીન પર અધિકાર સરકારનો જ’

નવી દિલ્હી: દેશમાં ખૂબ જ ચર્ચા, વિવાદ અને ધમાસાણનું કેન્દ્ર બનેલા વકફ કાયદાના સામે સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી શરુ (Hearing against Waqf Act in SC) થઇ ગઈ છે.
સુપ્રીમ કોર્ટમાં વક્ફ કાયદા સામેની પાંચ મુખ્ય અરજીઓ પર ચાલી રહેલી સુનાવણીમાં કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ ધારદાર દલીલો રજૂ કરી હતી. મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈ અને જસ્ટિસ એજી મસીહની બેન્ચ સમક્ષ આ સુનાવણી ચાલી રહી છે, જેમાં AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીની અરજી પણ સામેલ છે.
કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે જો સરકારી જમીનને વક્ફ તરીકે જાહેર કરવામાં આવે તો પણ તેના પરનો સરકારનો અધિકાર યથાવત રહે છે.
આપણ વાંચો: સુપ્રીમ કોર્ટમાં વક્ફ સુધારા કાયદા પર ધારદાર દલીલો, સીજેઆઈએ સવાલ પૂછતાં કપિલ સિબ્બલ ફસાયા
આ મુદ્દે તેમણે આદિવાસીઓની જમીનનું ઉદાહરણ આપીને કહ્યું હતું કે જેમ રાજ્યના કાયદા આદિવાસી જમીનની ખરીદીની મંજૂરી નથી આપતા, તેવી જ રીતે જો કોઈ વક્ફ બનાવે અને તેનો મુતવલ્લી એટલે કે વહીવટકર્તા મનમાની કરે તો કોર્ટ તેને રદ કરી શકે છે.
તુષાર મહેતાએ કોર્ટને કોઈ પણ વચગાળાના આદેશ આપવાની સામે વિરુદ્ધ આગ્રહ કરતાં કહ્યું હતું કે જો અંતિમ સુનાવણી પહેલાં કોઈ રોક લગાવવામાં આવે અને આ સમયગાળા દરમિયાન સંપત્તિ વક્ફને ચાલી જાય તો તેને પાછી લાવવી અત્યંત મુશ્કેલ બની જશે, કારણ કે વક્ફ અલ્લાહનો હોય છે.
તેમણે કહ્યું હતું કે વક્ફ બનાવવું અને વક્ફને દાન આપવું એ બે અલગ અલગ પ્રક્રિયાઓ છે. તેમણે કહ્યું કે કોઈ હિન્દુ પણ વક્ફ માટે દાન આપી શકે છે, પરંતુ વક્ફ બનાવવાની પ્રક્રિયા અલગ છે.
આપણ વાંચો: ‘વક્ફ ઇસ્લામનો અનિવાર્ય ભાગ નથી…’, સુપ્રીમ કોર્ટમાં સરકારની દલીલ
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વક્ફ બનાવવાની પ્રક્રિયામાં પાંચ વર્ષની મુસ્લિમ પ્રથાની શરત એટલા માટે રાખવામાં આવી છે જેથી કોઈ ખોટી દાનતથી વક્ફ બનાવીને કોઇ અન્યના અધિકારો છીનવી ન શકે.
રાજસ્થાન સરકારના વકીલ રાકેશ દ્વિવેદીએ સોલિસિટર જનરલની દલીલોને સમર્થન આપતા જણાવ્યું કે “વક્ફ બાય યુઝર” ઇસ્લામનો અભિન્ન ભાગ નથી, અને આ પ્રથા ભારત બહારથી આવી છે. તેમણે કહ્યું હતું કે અયોધ્યાના નિર્ણયમાં પણ આ વાત ત્રણ વાર સ્પષ્ટ કરવામાં આવી છે.
આપણ વાંચો: વક્ફ કાયદા પર SCમાં સુનાવણી: ‘કોર્ટ હસ્તક્ષેપ કરી શકે નહીં…’ CJIની મોટી ટિપ્પણી
SG મહેતાએ એ પણ ધ્યાન દોર્યું કે 1923થી 2013 સુધી વક્ફ બનાવવાની યોગ્યતા ફક્ત મુસ્લિમો સુધી સીમિત હતી. પરંતુ 2013માં તેમાં ફેરફાર કરીને ‘કોઈ પણ વ્યક્તિ’ શબ્દ ઉમેરવામાં આવ્યો, જેને હવે નવા સંશોધનમાં હટાવવામાં આવ્યો છે.
તેમણે ઉદાહરણ આપ્યું કે જો કોઈ હિન્દુ વ્યક્તિ સાર્વજનિક ધર્માર્થ હેતુ માટે મસ્જિદ બનાવવા માંગે તો તેને વક્ફ બનાવવાની જરૂર નથી, તે પબ્લિક ટ્રસ્ટ દ્વારા પણ આ કરી શકે છે, જેવું બોમ્બે ટ્રસ્ટ અધિનિયમમાં જોગવાઈ છે.
તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે આદિવાસી વિસ્તારોમાંથી પણ અરજીઓ આવી છે, જેમાં વક્ફ દ્વારા જમીન હડપવાની ફરિયાદો કરવામાં આવી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે જો શરિયા કાયદા હેઠળ કોઈ મુસ્લિમને પર્સનલ લો અપનાવવાનો હોય તો તેને પહેલાં એ સાબિત કરવું પડશે કે તે મુસલમાન છે. તેમણે કહ્યું કે આ જ સિદ્ધાંત વક્ફ પર પણ લાગુ પડે છે.
તુષાર મહેતાએ પોતાની દલીલોમાં ભાર મૂક્યો કે વક્ફ દ્વારા જમીનના અધિગ્રહણ સાથે જોડાયેલા મુદ્દાઓ વ્યવહારિક છે, શૈક્ષણિક નથી. તેના પર ગંભીરતાથી વિચાર થવો જોઈએ.
સુનાવણીના અંતે સોલિસિટર જનરલએ સ્પષ્ટ કર્યું કે તેઓ 1995ના અધિનિયમને પડકારી રહ્યા નથી, ન તો તેઓ આ મુદ્દો ઉઠાવી રહ્યા છે, પરંતુ જો કોઈને હાઈ કોર્ટ મોકલવામાં આવી રહ્યા હોય તો બધાને મોકલવા જોઈએ. આ સુનાવણીમાં કેન્દ્રની તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા અને અરજદારો તરફથી કપિલ સિબ્બલ દલીલો રજૂ કરી રહ્યા છે.