
નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર એક ઓડિયો ક્લિપ ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેને સાંભળીને લોકો ચોંકી ઉઠયા છે. આ ક્લિપમાં કથિત રીતે એચડીએફસી બેંકની એક મહિલા કર્મચારી સીઆરપીએફના એક જવાન સાથે લોન રિકવરીને લઈને ફોન પર ગેરવર્તણૂક કરતી સંભળાઈ રહી છે. આ ઓડિયોમાં મહિલા જવાનને ‘ગમાર’ કહીને તેની નોકરીની મજાક ઉડાવે છે. આ ઉપરાંત, તે અપમાનજનક ટિપ્પણીઓ પણ કરે છે. જેના કારણે સોશિયલ મીડિયા પર ભારે આક્રોશ ફેલાયો છે. આ સમગ્ર મામલે એચડીએફસી બેંકે સ્પષ્ટતા પણ કરી છે.
સોશિયલ મીડિયા પર બૉયકોટનો ટ્રેન્ડ
સોશિયલ મીડિયા પર આ ક્લિપ વાયરલ થયા બાદ યુઝર્સે આકરી કાર્યવાહીની માંગ કરી રહ્યા છે, જો કે એચડીએફસી બેન્કે સ્પષ્ટ કર્યું છે કે ક્લિપમાં જે મહિલા છે, તે તેમની કર્મચારી નથી. જો કે જવાનની ઓળખનો ખુલાસો કરવામાં નથી આવ્યો તેમજ કોલની પૃષ્ટી માટે તપાસ કરવામાં આવી રહી છે. આ ઓડિયો કિલપ વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર બૉયકોટ એચડીએફસી સહિતના ટ્રેન્ડ શરૂ થયા હતા.
વાયરલ ક્લિપમાં મહિલા સૈનિકની નોકરીની મજાક ઉડાવે છે અને તેના પરિવાર પર પણ સવાલો ઉઠાવતી સંભળાઈ રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર યુઝર્સે આ વર્તનની નિંદા કરી છે અને રક્ષા કર્મચારીઓ પ્રત્યે જવાબદારી અને સન્માનપૂર્ણ વ્યવહારની માંગ કરી છે. આ સાથે જ, મહિલા વિરુદ્ધ કડક કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી છે.
બેન્કે કરી સ્પષ્ટતા
જો કે અંતે આ મુદ્દે એચડીએફસી બેન્કે સ્પષ્ટીકરણ આપતા કોઈપણ પ્રકારની સંડોવણીનો ઇનકાર કર્યો હતો. બેન્કે કહ્યું આ વર્તન તેના મૂલ્યોને દર્શાવતું નથી. બેંકે સ્પષ્ટતા જાહેર કરતા કહ્યું કે, ‘આ સોશિયલ મીડિયા પર પ્રસારિત એક ઓડિયો ક્લિપના સંદર્ભમાં સ્પષ્ટતા છે, જેમાં એક મહિલા CRPFના જવાન સાથે અભદ્ર ભાષામાં વાત કરતી સંભળાઈ રહી છે. ઘણી પોસ્ટ્સમાં તેને ખોટી રીતે HDFC બેંકની કર્મચારી બતાવવામાં આવી છે. અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આ મહિલા HDFC બેંકની કર્મચારી નથી. ક્લિપમાં સંભળાતા અવાજનું વર્તન ન તો સ્વીકાર્ય છે અને ન તો એક સંગઠન તરીકે અમારા મૂલ્યોને દર્શાવે છે.’