એચડી રેવન્નાને જાતિય શોષણના કેસમાં મળ્યા જામીન, કહ્યું- ‘કોર્ટના આદેશનું પાલન કરીશ’
બેંગલુરૂ: જનતા દળ સેક્યુલર (JDS)ના નેતા એચડી રેવન્નાને જાતિય શોષણના કેસમાં જામીન મળી ગયા છે, હોલેનરસીરપુરા યૌન શોષણ કેસમાં તેમની સામે પહેલી ફરિયાદ નોંધાઈ હતી. આ પહેલા બેંગલુરૂની એક કોર્ટે તેમને 17 મે સુધીના જામીન આપ્યા હતા, સ્પેશિયલ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા બાદ રેવન્ના પરાપન્ના અગ્રહરા જેલામાંથી મુક્ત થયા હતા. તેમની સામે એક મહિલાના અપહરણ અને તેમના પુત્ર પર જાતિય શોષણનો કેસ નોંધાયો છે.
રેવન્નાએ આ કેસમાં કાંઈ પણ કહેવાનો ઈન્કાર કરી દીધો હતો, તેમનું કહેવું છે કે આ કેસ કોર્ટમાં છે, આ જ કારણથી તે કોઈ પણ ટિપ્પણી કરવા નથી માંગતા. જામીન મળ્યા બાદ રેવન્નાએ કહ્યું, “મને ન્યાયતંત્ર માટે સન્માન છે, મને ભગવાનમાં વિશ્વાસ છે. મારી 40 વર્ષની રાજકીય કારકિર્દીમાં મારી સામે આ પહેલો કેસ છે. હું કોર્ટના આદેશનું પાલન કરીશ. આ મામલો કોર્ટમાં છે. તેથી “હું બીજું કશું કહેવા માંગતો નથી.”
કોર્ટે હસન સેક્સ ટેપ કાંડ સંબંધિત મૈસૂર અપહરણ કેસમાં તેમની જામીન અરજી ફગાવી દીધી હતી અને તેમને 14 મે સુધી ન્યાયિક કસ્ટડીમાં રાખવા જણાવ્યું હતું. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે 4 મેના રોજ તેમની અટકાયત કરી હતી. તેમના ઘરમાં કામ કરતી મહિલાના પુત્રએ આરોપ લગાવ્યો હતો કે રેવન્નાના સહયોગીએ તેની માતાનું અપહરણ કર્યું હતું. આ મહિલાએ રેવન્નાના પુત્ર પ્રજ્વલ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો.