મૈનપુરી: ઉત્તરપ્રદેશના હાથરસમાં એક ધામિક મેળાવડામાં ભાગદોડ(Hathras Stampede)માં 121 નિર્દોષ લોકોના મોત નિપજ્યા છે, યોગી સરકારે(Yogi government) આ મામલામાં કડક અને ઝડપી કાર્યવાહી કરવાનું વચન આપ્યું છે. એવામાં ગઈ મધરાતે મૈનપુરી પોલીસે સૂરજપાલ ઉર્ફે ભોલે બાબાના આશ્રમ (Bhole baba Ashram) પર દરોડો પાડ્યો હતો, ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસની ટીમ બાબાના આશ્રમ પહોંચી હતી. પોલીસની ટીમ એક કલાકથી વધુ સમય સુધી આશ્રમની અંદર રહી હતી, પરંતુ ત્યાર બાદ ટીમ ખાલી હાથે બાહર નીકળી હતી. જ્યારે અધિકારીઓએ કહ્યું કે તેઓ માત્ર સુરક્ષા વ્યવસ્થા જોવા આવ્યા છે, બાબા અંદર નથી. અંદર 50 થી 60 સ્ત્રી-પુરુષ ભક્તો છે, જેઓ નિયમિત રીતે આ આશ્રમમાં આવે છે.
જ્યારે પોલીસને પૂછવામાં આવ્યું કે શું પોલીસ હાથરસની ઘટનાના આરોપીઓને શોધવા કે બાબાની પૂછપરછ કરવા આવી છે? પોલીસે આ વાતને સંપૂર્ણપણે નકારી કાઢી હતી. એવામાં મૈનપુરી પોલીસ દ્વારા મોડી રાત્રે કરાયેલા દરોડા અને આશ્રમમાં તેમના એક કલાકથી વધુ સમય સુધી રોકાવાથી ઘણા પ્રશ્નો ઉભા થયા છે.
હાથરસમાં બનેલી ઘટના બાદથી બાબાના આશ્રમમાં ચારેબાજુ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, એવામાં સવાલ ઉભા થયા છે કે મધ્યરાત્રિએ પોલીસ કઈ સુરક્ષા માટે આવી? શું પોલીસને કોઈ ખાસ ઈનપુટ મળ્યો હતો, જેના માટે પોલીસ અધિકારીઓ તેમના ફોર્સ સાથે મધ્યરાત્રિએ આશ્રમની સુરક્ષા વ્યવસ્થા તપાસવા ગયા હતા? પોલીસે સ્વીકાર્યું કે આશ્રમમાં મહિલા ભક્તો હતા, પરંતુ પોલીસ ટીમમાં કોઈ મહિલા પોલીસ કર્મચારી ન હતા.
હાથરસ ઘટનામાં પોલીસે નોંધાવેલી એફઆઈઆરમાં લખ્યું છે કે બાબાના સુરક્ષાકર્મીઓએ લોકોને ધક્કો મારવાનું શરૂ કરી દીધું, જેના કારણે નાસભાગ મચી હતી. તો શું મંગળવારે બાબાની સુરક્ષા માટે તૈનાત સુરક્ષાકર્મીઓની પૂછપરછ કે ધરપકડ કરવા માટે દરોડો પાડવા માટે પોલીસની ટીમ પહોંચી હતી.
સૂરજ પાલ ઉર્ફે નારાયણ સાકર હરિ ઉર્ફે ભોલે બાબાની વર્ષ 2000માં આગરામાં ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં ડિસેમ્બર 2000માં એફઆર દાખલ કરવામાં આવી હતી. પોલીસે સૂરજ પાલ સહિત 7 લોકોની ધરપકડ કરી હતી. પુરાવાના અભાવે તમામને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા.