શું ઓડ-ઇવન સિસ્ટમ ક્યારેય સફળ રહી છે? સુપ્રીમ કોર્ટે ખખડાવતા દિલ્હીના પ્રધાને આપી આ પ્રતિક્રિયા
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં વર્ષોજૂની પર્યાવરણની સમસ્યાએ માથું ઉચક્યું છે ત્યારે પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે ઓડ-ઇવન નિયમ મામલે આજે સુપ્રીમ કોર્ટની ફટકાર સામે પ્રતિક્રિયા આપી હતી. પર્યાવરણ પ્રધાને જણાવ્યું છે કે ઓડ-ઇવન નિયમોને લાગુ કરતા પહેલા તેઓ સુપ્રીમ કોર્ટના નિર્દેશોનો જરૂરી અભ્યાસ કરશે.
સુપ્રીમ કોર્ટે મંગળવારે દિલ્હી-NCRમાં પ્રદૂષણ મામલે દાખલ થયેલી એક અરજીની સુનાવણી કરતા સમયે પરાળી બાળવા, પ્રદૂષણ ફેલાવતા વાહનો અને ખુલ્લામાં કચરો બાળવા જેવા મુદ્દાઓ પર પ્રકાશ ફેંક્યો હતો. ગોપાલ રાયે કહ્યું હતું કે ઓડ-ઇવન યોજનાની પદ્ધતિઓ પર ચર્ચા માટે પરિવહન અને પર્યાવરણ વિભાગના અધિકારીઓ તથા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી છે. સરકાર સર્વોચ્ચ અદાલતના દિશા-નિર્દેશોનો અભ્યાસ કરશે અને આગળની યોજના માટે સુપ્રીમ કોર્ટના સૂચનોને સામેલ કરાશે.
ઓડ-ઇવન નિયમને વર્ષ 2016માં પહેલીવાર લાગુ કરવામાં આવ્યો હતો. સીએમ અરવિંદ કેજરીવાલની સરકારે આ નિયમ 2016ના જાન્યુઆરીમાં લાગુ કર્યો હતો. આ યોજના હેઠળ અમુક ચોક્કસ દિવસોમાં જે કારના નંબર પ્લેટમાં છેલ્લે 1,3,5,7,9 નંબર આવતા હોય તે કાર ચાલે અને બાકીના દિવસોમાં 0,2,4,6,8 નંબરો ધરાવતી કાર ચાલે. આ વખતે સતત ચોથીવાર આખા દિલ્હી શહેરમાં આ સિસ્ટમને લાગુ કરવામાં આવશે.