હરિયાણામાં મતદાન દરમિયાન ઝપાઝપી: પૂર્વ ધારાસભ્યએ જ અન્ય ઉમેદવારનો કુર્તો ફાડી નાખ્યો
ચંદીગઢ: હરિયાણાની 90 વિધાનસભા બેઠકો માટે આજે સવારથી મતદાન થઈ રહ્યું છે. સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ રીતે મતદાન શરૂ થયું હોવા છતાં કેટલીક જગ્યાએ વિવાદના કિસ્સાઓ પણ નોંધાયા હતા. મહમ વિધાનસભા બેઠકના બૂથ નંબર 134 પર બલરાજ કુંડુ અને આનંદ સિંહ ડાંગી વચ્ચે ઝપાઝપી થઈ હતી.
હરિયાણા જન સેવક પાર્ટીના સુપ્રિમો અને મહેમ વિધાનસભા બેઠકના ઉમેદવાર બલરાજ સિંહ કુંડુ જ્યારે નિરીક્ષણ માટે ગયા હતા ત્યારે આનંદ સિંહ ડાંગીના માણસોએ તેમના પર હુમલો કર્યો હતો અને ઝપાઝપી દરમિયાન બલરાજ કુંડુના પીએનો કુર્તો ફાટી ગયો હતો. કુંડુએ જણાવ્યું કે તેનો કુર્તો પણ ફાટી ગયો હતો. તમને જણાવી દઈએ કે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આનંદ સિંહ ડાંગી પોતે ચૂંટણી લડી રહ્યા નથી, તેમના પુત્ર બલરામ ડાંગી કોંગ્રેસની ટિકિટ પર મહેમથી ચૂંટણી લડી રહ્યા છે.
બલરાજ કુંડુએ કહ્યું કે આનંદ દાંગી હાર દેખી રહ્યા હોવાથી હારના ડરથી રઘવાયા થયા છે અને તેથી જ તેણે પોતાના સમર્થકો સાથે મળીને હુમલો કર્યો છે. તેણે કહ્યું કે જ્યારે હું મદીનાના બૂથ નંબર 134 પર નિરીક્ષણ માટે ગયો હતો, ત્યારે આનંદ સિંહ દાંગી કે જે ઉમેદવાર પણ નથી તે જબરદસ્તીથી બૂથમાં પ્રવેશ્યા અને મારી સાથે ઝપાઝપી કરી.
કુંડુએ લગાવ્યા ગંભીર આરોપ:
બલરાજ કુંડુએ આનંદ સિંહ દાંગી પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું કે 20-25 લોકોએ તેની સાથે ઝપાઝપી કરી હતી અને તેના કપડાં ફાડી નાખ્યા હતા. કુંડુનો આરોપ છે કે દાંગી તેના સમર્થકો સાથે બોગસ મતદાન કરાવવા માટે આવ્યા હતા, જ્યારે તેઓએ તેને રોક્યો ત્યારે દાંગીએ તેની સાથે ઝપાઝપી કરી હતી. પોલીસકર્મીઓ અને અન્ય લોકોએ દરમિયાનગીરી કરી. માહિતી મળતાં જ ભારે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસ આરોપોની તપાસ કરી રહી છે.