Haryana Politics: JJPના વ્હીપ છતાં હરિયાણા વિધાનસભામાં નાયબ સૈની સરકારે વિશ્વાસ મત જીત્યો

ચંડીગઢ: ભાજપ અને JJP વચ્ચેની ગઠબંધન તૂટી જતા હરિયાણાના રાજકારણમાં નાટકીય બદલાવ થઇ રહ્યા છે. ગઈ કાલે મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટર સહીત સમગ્ર કેબિનેટે રાજીનામું આપી દીધું હતું, ત્યાર બાદ સાંજે નાયબ સિંહ સૈનીએ નવા મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. નાયબ સિંહ સૈનીની આગેવાની હેઠળની ભાજપ સરકારે આજે બુધવારે વિધાનસભામાં વિશ્વાસ મત રજુ કર્યો હતો. ફ્લોર ટેસ્ટમાં ભાજપ સરકારે બહુમતી સાબિત કરી હતી. હરિયાણા વિધાનસભામાં બે કલાક લાંબી ચર્ચા બાદ ફ્લોર ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
વિપક્ષ કોંગ્રેસે ગૃહને બોલાવવા પર સવાલ ઉઠાવ્યા બાદ હરિયાણા વિધાનસભાનું વિશેષ સત્ર હોબાળા સાથે શરૂ થયું હતું. વિપક્ષના નેતા ભૂપિન્દર સિંહ હુડ્ડાએ સ્પીકરને તમામ સભ્યો ન આવે ત્યાં સુધી ગૃહને સ્થગિત કરવાની માંગ કરી હતી. જોકે, સ્પીકરે કોંગ્રેસની માંગ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈનીએ વિધાનસભા ગૃહમાં વિશ્વાસ મતનો પ્રસ્તાવ મૂક્યો હતો. JJPએ પોતાના તમામ વિધાનસભ્યોને વ્હિપ બહાર પાડીને કહ્યું હતું કે કોઈપણ વિધાનસભ્ય ગૃહમાં હાજર ન રહે. પરંતુ વ્હીપ છતાં JJPના પાંચ વિધાનસભ્યો ગૃહમાં પહોંચ્યા હતા.
Also Read:
https://bombaysamachar.com/world-news/haryana-cm-manohar-lal-khattar-resigns/
જો કે, વિશ્વાસ મત રજૂ થાય તે પહેલા જ આ પાંચેય વિધાનસભ્યો ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા હતા. આમ JJPના તમામ 10 વિધાનસભ્યો વિશ્વાસ મત દરમિયાન ગૃહમાં ગેરહાજર રહ્યા હતા. વિશ્વાસ મત દરમિયાન, અપક્ષ વિધાન સભ્ય બલરાજ કુંડુ પણ ગૃહમાંથી બહાર નીકળી ગયા હતા. ગૃહમાં સૈનીએ કહ્યું કે “હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું, મારા પરિવારમાં કોઈ રાજકારણમાં નથી. હું ભાજપનો પક્ષનો કાર્યકર માત્ર છું અને આજે મને આટલી મોટી તક આપવામાં આવી છે. આ ફક્ત ભાજપમાં જ શક્ય છે.”