જીંદઃ હરિયાણાના જીંદમાં એક સરકારી શાળામાં અભ્યાસ કરતી 60 વિદ્યાર્થિનીઓએ પ્રિન્સિપાલ પર યૌન ઉત્પીડન કરવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ ગત 4 નવેમ્બરના રોજ આરોપી પ્રિન્સિપાલની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ બાદ જાણવા મળ્યું કે આરોપીએ છ વર્ષમાં 142 સગીર વિદ્યાર્થિઓની જાતીય સતામણી કરી હતી. ગઈ કાલે બુધવારે, જીંદ જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ જણાવ્યું હતું કે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) ની આગેવાની હેઠળની તપાસ સમિતિએ કુલ 390 છોકરીના નિવેદનો નોંધ્યા છે અને અમે 142 કેસમાં ફરિયાદ નોંધી છે. આ કેસમાં આરોપી આચાર્ય હાલ જેલમાં છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ 142 છોકરીઓમાંથી મોટા ભાગની છોકરીઓએ પ્રિન્સિપાલ પર જાતીય હુમલો કરવાનો આરોપ મૂક્યો હતો, જ્યારે બાકીની છોકરીઓએ કહ્યું હતું કે તેઓ કૃત્યોની સાક્ષી છે. આરોપી પ્રિન્સિપાલ હાલમાં જેલના સળિયા પાછળ છે.
નોંધનીય છે કે ગત 31 ઓગસ્ટના રોજ જીંદના ઉછાનાની સરકારી શાળામાં અભ્યાસ કરતી કેટલીક વિદ્યાર્થીનીઓએ આરોપો અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ, રાષ્ટ્રીય મહિલા આયોગ અને રાજ્ય મહિલા આયોગ અને અન્યને પત્ર લખ્યા હતા. વિદ્યાર્થિનીઓએ ખુલાસો કર્યો હતો કે તેમની શાળાના પ્રિન્સિપાલ કરતાર સિંહ તેમને પ્રિન્સિપાલ રૂમમાં બોલાવીને છેડતી કરે છે.
13 સપ્ટેમ્બરના રોજ, હરિયાણા મહિલા આયોગે આખરે પત્રની નોંધ લીધી અને બીજા દિવસે 14 સપ્ટેમ્બરના રોજ કાર્યવાહી માટે તેને જીંદ પોલીસને નોટિસ મોકલી હતી. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પોલીસે આ મામલામાં તપાસમાં ઢીલ કરી હતી અને ઘણા સમય બાદ 30 ઓક્ટોબરના રોજ એફઆઈઆર દાખલ કરી હતી.
આરોપીની 4 નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી અને 7 નવેમ્બરના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, કોર્ટે આરોપીને ન્યાયિક કસ્ટડીમાં રિમાન્ડ પર મોકલી આપ્યો હતો. અગાઉ, રાજ્ય મહિલા આયોગે જણાવ્યું હતું કે સરકારી શાળામાં 60 છોકરીઓ પ્રિન્સિપાલ વિરુદ્ધ તેમના નિવેદનો નોંધવા માટે આગળ આવી હતી. જોકે, હવે આ સંખ્યા વધીને 142 થઈ ગઈ છે.
વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘’સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (એસડીએમ) ના રેન્કના ત્રણ (જિલ્લા) અધિકારીઓની એક ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન પ્રિન્સિપાલ પ્રથમ દૃષ્ટિએ દોષી સાબિત થયો છે. હવે આરોપીની બરતરફી અને નોકરી સાથે આવતા લાભો અટકાવવા તેની સામે ચાર્જશીટ તૈયાર કરવામાં આવશે.’
પ્રિન્સિપાલ સામેના આરોપોની તપાસ માટે 16 નવેમ્બરે એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસેની આગેવાની હેઠળ છ સભ્યોની SIT ની રચના કરવામાં આવી હતી. એડીશનલ ડાયરેક્ટ જનરલ ઓફ પોલીસે(ADGP) તપાસ ટીમને 10 દિવસમાં રિપોર્ટ દાખલ કરવા અને પીડિત સગીર છોકરીઓ માટે કાઉન્સેલિંગની વ્યવસ્થા કરવાનો નિર્દેશ આપ્યો હતો.