હરિયાણાની સ્કૂલના પ્રિન્સિપાલે કર્યું કુકર્મઃ આટલી વિદ્યાર્થિનીએ નોંધાવી ફરિયાદ
જીંદ: દિલ્હીને અડીને આવેલા હરિયાણાના જીંદમાં એક ચોંકાવનારો ઘટના બની છે. જેમાં જીંદની એક સરકારી શાળાના પ્રિન્સિપાલની 50થી વધુ વિદ્યાર્થિનીઓ સાથે જાતીય સતામણી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ કેસની તપાસ કરવા માટે પાંચ પોલીસની ટીમ બનાવવામાં આવી છે તેમજ આરોપી પ્રિન્સિપાલની શનિવારના રોજ ધરપકડ કરવામાં આવી છે.
અધિકારીએ કહ્યું હતું કે આરોપી પ્રિન્સિપાલ છેલ્લી પાંચ દિવસથી ફરાર હતો તેની ગઇ કાલે ધરપકડ કરી અને સોમવારે તેને જીંદની કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને વધુ તપાસ માટે અમે કોર્ટમાં તેના પોલીસ રિમાન્ડની માંગણી કરીશું. હરિયાણા રાજ્ય મહિલા આયોગે માહિતી આપી હતી કે જીંદની સરકારી શાળાની 50 થી વધુ વિદ્યાર્થીનીઓનું પ્રિન્સિપાલ દ્વારા યૌન ઉત્પીડન કરવામાં આવ્યું છે.
વિદ્યાર્થિનીઓ તરફથી પ્રિન્સિપાલ વિરુદ્ધ 60 લેખિત ફરિયાદો મળી છે. જેમાંથી 50 ફરિયાદો એવી છોકરીઓની છે જેમણે આરોપીના હાથે શારીરિક શોષણની વાત કરી છે. અન્ય દસ યુવતીઓએ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ જાણતા હતા કે પ્રિન્સિપાલ આવી બાબતોમાં સામેલ છે. જીંદ પ્રશાસને યૌન ઉત્પીડનના આરોપમાં આચાર્યને સસ્પેન્ડ કરી દીધા હતા.
જીંદ જિલ્લા પોલીસે સોમવારે આચાર્ય વિરુદ્ધ IPC કલમ 354-A (જાતીય સતામણી), 341 (ખોટી રીતે છેડછાડ) અને 342 એટલેકે બાળકોના જાતીય સતામણીથી રક્ષણ માટેની જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો હતો. આ કેસમાં POCSO એક્ટ પણ ઉમેરવામાં આવ્યો છે. ખાસ બાબત તો એ છે કે તમામ ફરિયાદીઓ સગીર છે.
પીડિતોએ આરોપ લગાવ્યો હતો કે આરોપી પ્રિન્સિપાલ તેમને પોતાની ઓફિસમાં બોલાવતો હતો અને અશ્લીલ હરકતો કરતો હતો. શાળાની કેટલીક વિદ્યાર્થીનીઓએ વડા પ્રધાન કાર્યાલય અને રાષ્ટ્રીય મહિલા આયોગને પત્ર લખીને તેમની આપવીતી જણાવી હતી.