હરિયાણા IPS આત્મહત્યા કેસ; DGP સામે કાર્યવાહી, રાહુલ ગાંધી પીડિત પરિવારને મળશે

ચંડીગઢ: સિનિયર અધિકારીઓ દ્વારા કથિત રીતે જાતિ આધારિત હેરાનગતિને કારણે હરિયાણાના IPS અધિકારી વાય. પૂરણ કુમારે આત્મહત્યા કરી લેતા રાજ્યના પોલીસતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. આ સાથે રાજકારણ પણ ગરમાયું છે, રાજ્યની ભાજપ સરકાર પર કાર્યવાહી કરવા દબાણ વધી રહ્યું છે. અહેવાલ મુજબ હરિયાણા સરકારે રાજ્યના DGP શત્રુઘ્ન કપૂરને લાંબી રજા પર ઉતારી દીધા છે. કોંગ્રસ નેતા રાહુલ ગાંધી આજે પીડિત પરિવારને મળશે.
અહેવાલ મુજબ પોલીસે DGP સહીત સુસાઇડ નોટમાં જે નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે તમામ અધિકારીઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. વાય. પૂરણ કુમારની પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદને આધારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. FIR નોંધાયા બાદ ચંદીગઢ પોલીસે આ કેસની તપાસ માટે છ સભ્યોની સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ(SIT)ની રચના કરી.
વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી:
સુસાઈડ નોટમાં વાય. પૂરણ કુમારે વરિષ્ઠ અધિકારીઓ પર જાતિ આધારિત ભેદભાવ અને હેરાનગતિના આરોપ લગાવ્યા છે. ગઈ કાલે હરિયાણા સરકારે રોહતકના પોલીસ અધિક્ષક નરેન્દ્ર બિજરનિયાની બદલી કરી હતી. હવે રાજ્યના DGP શત્રુઘ્ન કપૂરને રજા પર ઉતારી દેવામાં આવ્યા છે, જેની હરિયાણાના મુખ્યપ્રધાન મીડિયા સલાહકાર રાજીવ જેટલીએ પુષ્ટિ કરી છે.
વરિષ્ઠ અધિકારીઓ પર ગંભીર આરોપ:
IPS અધિકારી વાય. પૂરણ કુમાર રોહતકના પોલીસ ટ્રેનીંગ સેન્ટરમાં ઇન્સ્પેક્ટર જનરલ તરીકે તૈનાત હતાં, 7 ઓક્ટોબરના તેમણે આત્મહત્યા કરી લીધી. તેમણે આઠ પાનાની સુસાઇડ નોટ લખીને છોડી હતી, જેમાં13 વરિષ્ઠ અધિકારીઓના નામ છે, જેમાં તેમના પર ઉત્પીડન અને તેમની કારકિર્દીને ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાના આરોપ મૂકવામાં આવ્યો છે. નોટમાં સૌથી વધુ સંભીર આરોપો DGP શત્રુઘ્ન કપૂર અને રોહતકના પોલીસ અધિક્ષક નરેન્દ્ર બિજરનિયા પર લગાવવામાં આવ્યા હતા.
રાહુલ ગાંધી પીડિત પરિવારની મળશે:
વાય. પૂરણ કુમારનો પરિવાર માંગ કરી રહ્યો હતો કે નોટમાં નામ છે, એ તમામ અધિકારીઓનું નામ FIRમાં આરોપી તરીકે દાખલ કરવામાં આવે અને તેમની ધરપકડ કરવામાં આવે, આ માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી પરિવારે મૃતદેહનાપોસ્ટમોર્ટમ અને અંતિમ સંસ્કારની પરવાનગી આપવાનો ઇનકાર કર્યો છે.
હરિયાણાના મુખ્ય પ્રધાન નાયબ સૈની વાય. પૂરણ કુમારના પરિવારને મળવા પહોંચ્યા હતાં, તેમણે પરિવારને કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ આજે પીડિત પરિવારને મળવા ચંદીગઢ પહોંચવાના છે.