નેશનલ

હરિયાણામાં લઠ્ઠાકાંડ: યમુનાનગરમાં ચોથા દિવસે વધુ ત્રણ લોકોના મોત, મૃત્યુઆંક 18 પર પહોંચ્યો

ચંદીગઢ: હરિયાણાના યમુનાનગર જીલ્લામાં બુધવારે લઠ્ઠાકાંડને કારણે પ્રથમ મોત બાદ આજે ચોથા દિવસે વધુ ત્રણ લોકોના મોત થયા છે. આ સાથે જિલ્લામાં ઝેરી દારૂ પીને મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 18 પર પહોંચી છે. પોલીસે આ કેસમાં સાત લોકોની ધરપકડ કરી છે. જેમાં કોંગ્રેસના નેતા અને જનનાયક જનતા પાર્ટી (JJP)ના નેતાના પુત્રનો પણ સમાવેશ થાય છે. રોષે ભરાયેલા ગ્રામજનો દારૂના ધંધાર્થીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

ઝેરી દારૂ પીવાથી થયેલા મોતને બાબતે રાજકારણ શરૂ થઈ ગયું છે. વિપક્ષી દળો આ કાંડ માટે મનોહર લાલ ખટ્ટર સરકારની ટીકા કરી રહ્યા છે. વિપક્ષે હરિયાણા સરકાર પર અગાઉની સમાન ઘટનાઓમાંથી પાઠ ન લીધો હોવાનો આરોપ લગાવ્યો છે.

પોલીસ દ્વારા ઘરોની તલાશી લેવામાં આવી રહી છે. લોકોએ ઘરમાં દારૂ છુપાવી રાખ્યો હોવા અંગે તપાસ કરવામાં આવી રહી છે. આટલા મૃત્યુ પછી પણ લોકો છૂપી રીતે દારૂ પી રહ્યા છે. આ જ કારણ છે કે બુધવારથી શરૂ થયેલી ઘટનાઓ બાદ હજુ પણ લોકો મરી રહ્યા છે.

બુધવારે સૌપ્રથમ માંડેબારી ગામમાં ઝેરી દારૂ પીવાથી છ લોકોના મોત થયા હતા. ત્યાર બાદ ગામમાં દરરોજ મોત થઇ રહ્યા છે. માંડેબારી બાદ સૌથી વધુ મોત સારણ ગામમાં થઈ રહ્યા છે. સારણ ગામમાં ઝેરી દારૂ પીવાથી બે દિવસમાં ચાર લોકોના મોત થયા છે. આ ગામમાં અન્ય બે મોત પણ થયા છે જેને પોલીસ શંકાસ્પદ કેસ માની રહી છે.

સારણ ગામના લોકોના જણાવ્યા પ્રમાણે જણાવ્યું કે ગામમાં પાંચ-છ લોકો લાંબા સમયથી ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ કરે છે. અગાઉ પણ લોકોએ તેમની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી હતી, પરંતુ દર વખતે દંડ ભરીને આરોપીઓને છૂટી ગયા હતા. જો સમયસર તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી હોત તો આજે ગામમાં આટલા મોત ન થયા હોત.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button