વાહ રે હરિયાણા સરકારઃ આકાશમાંથી અનરાધાર વરસાદ ને રોડ પર પાથરવામાં આવી રહ્યો છે ડામર

ચંદીગઢઃ હરિયાણાના કરનાલમાં (Haryana) એક વિચિત્ર કિસ્સો બન્યો છે, જે સરકારી કામકાજ કઈ રીતે થાય છે તેની ચાડી ફૂંકે છે. જે વિડિયો સામે આવ્યો છે તેમાં જોવામાં આવ્યું છે કે વાદળો વરસી રહ્યા છે, રસ્તા પર પાણી ભરાયેલું દેખાય છે અને રોડ પર ડામરથી ભરેલું મશીન કામ કરી રહ્યું છે. મુશળધાર વરસાદમાં રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે અને ડામર પર પાણી પડ્યા બાદ ધુમાડાની જેમ વરાળ નીકળી રહી છે.
વરસાદ દરમિયાન નમસ્તે ચોક પાસે આ રોડનું બાંધકામ થતું જોવા મળ્યું હતું, જ્યાં મજૂરો કામ કરતા જોવા મળ્યા હતા.
ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ બાદ વરસાદમાં બનેલા રોડની ગુણવત્તા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. આ સાથે રોડ બનાવતા વિભાગ પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
હરિયાણામાં મુશળધાર વરસાદ વચ્ચે બનેલા રોડનો વીડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસે રાજ્ય સરકાર પર કટાક્ષ કર્યો હતો. ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારો પર પ્રહાર કરતા કોંગ્રેસે લખ્યું છે કે, હરિયાણામાં ભાજપ સરકારે નવી ટેક્નોલોજીની શોધ કરી છે. તેમાં વરસાદમાં રસ્તાઓ બનાવવામાં આવે છે. આ ટેક્નોલોજીની પેટન્ટ નરેન્દ્ર મોદીના નામ પર કરવામાં આવશે. ટેક્નોલોજી હશે – વરસાદમાં રસ્તા બનાવો, ભ્રષ્ટાચાર દ્વારા પૈસા કમાવો.
જોકે માત્ર હરિયાણા નહીં દેશના ગામે ગામ અને દરેક શહેરમાં મોસનો પહેલો વરસાદ સરકારી નિષ્ક્રિયતા અને ભ્રષ્ટાચારીના પુરાવા સમો બની જાય છે. વિકાસનું મોડેલ માનવામાં આવતા ગુજરાત રાજ્યના અમદાવાદ-વડોદરા અને સુરત જેવા શહેરો હોય કે દેશની રાજધાની દિલ્હી કે પછી આર્થિક રાજધાની મુંબઈ હોય, બે ઈંચ વરસાદ પણ જનતાને રઝળતી કરી મૂકે છે અને તંત્ર માત્ર વાયદા અને કરોડોનો ખર્ચ કાગળ પર બતાવવા સિવાય કંઈ કરતું નથી.