ચૂંટણી પહેલા હરિયાણામાં ભાજપને મોટો ફટકો, અશોક તંવરે ઝાલ્યો કૉંગ્રેસનો હાથ

જ્યાં સુધી ચૂંટણીમાં મતદાન ન થાય ત્યાં સુધી મતદારોના મનની વાત કળી શકાતી નથી. તેઓ છેલ્લી ઘડીએ પણ એક પક્ષને છોડીને બીજા પક્ષને વોટ આપે એવી શક્યતા રહે જ છે. જોકે, આ કહેવત જેટલી મતદારોને લાગુ પડે છે એટલી જ નેતાઓ માટે પણ તે લાગુ પડે છે. કમ સે કમ હરિયાણાની ચૂંટણીમાં તો આ વાત એકદમ સાચી જ લાગે છે. લગભગ એક કલાક પહેલા સુધી સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારો માટે વોટની અપીલ કરતા અશોક તંવર હવે કોંગ્રેસી બની ગયા છે.
હરિયાણા ચૂંટણી માટે પ્રચાર પૂરો થવાના થોડા કલાકો પહેલા જ અશોક તંવર રાહુલ ગાંધીની જીંદ રેલીમાં પહોંચ્યા હતા અને કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. અશોક તંવર અગાઉ હરિયાણા કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. અશોક તંવરનો રાહુલ ગાંધીના મંચ પર પહોંચવાનો અને પાર્ટીમાં જોડાવાનો વીડિયો કોંગ્રેસ દ્વારા તેના સત્તાવાર હેન્ડલ પરથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યો છે.
અશોક તંવર હરિયાણા ચૂંટણી માટે ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં હતા. ભાજપે તેમને પ્રચાર સમિતિના સભ્ય પણ બનાવ્યા હતા. પૂર્વ સાંસદ અશોક તંવર પણ રાહુલ ગાંધીની રેલીમાં પહોંચવાના એક કલાક પહેલા સુધી ભાજપના ઉમેદવારોની તરફેણમાં પ્રચાર કરી રહ્યા હતા. કોંગ્રેસમાં જોડાવાના લગભગ એક કલાક પહેલા અશોક તંવરે પોતાના એક્સ હેન્ડલ પરથી ભાજપના ઉમેદવારના સમર્થનમાં યોજાયેલી રેલીની તસવીરો પોસ્ટ કરી હતી.
અશોક તંવરે નલવા વિધાનસભા ક્ષેત્રમાંથી ભાજપના ઉમેદવાર રણધીર પનિહારના સમર્થનમાં એક દિવસ પહેલા યોજાયેલી રેલીની તસવીરો પોસ્ટ કરીને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે નાયબ સિંહ સૈનીના નેતૃત્વમાં ત્રીજી વખત ભાજપની સરકાર બનશે.
અશોક તંવર ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે પણ ભાજપના ઉમેદવારોની તરફેણમાં પ્રચાર કરી રહ્યા હતા. રાહુલ ગાંધીની રેલીના મંચ પર પહોંચવાના લગભગ બે કલાક પહેલા, તેઓ જીંદની સફીદો વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રામકુમાર ગૌતમના સમર્થનમાં આયોજિત રેલીમાં પણ મંચ પર હતા. અશોક તંવરે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ રેલીની તસવીરો પણ શેર કરી હતી, જે હવે કોંગ્રેસમાં જોડાયા બાદ ડિલીટ કરી દેવામાં આવી છે. તેમના કૉંગ્રેસમાં પ્રવેશને ભાજપ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.