Haryana Election 2024: બળવાખોર નેતાઓ સામે કોંગ્રેસની કાર્યવાહી, 13 નેતાઓએ બતાવ્યો બહારનો રસ્તો
હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. તમામ રાજકીય પક્ષોના નેતાઓ પ્રચાર અને પોતાની ક્ષમતા દર્શાવવામાં વ્યસ્ત છે. દરમિયાન, એવા સમાચાર સામે આવી રહ્યા છે કે કોંગ્રેસે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ 13 નેતાઓને 6 વર્ષ માટે હાંકી કાઢ્યા છે. જે નેતાઓના હકાલપટ્ટી કરવામાં આવી છે, તેમાં નરેશ ધાંડે, પ્રદીપ ગિલ, સજ્જન સિંહ ધૂલ, સુનીતા બટ્ટન, રાજીવ મામુરમ ગોંદર, દયાલ સિંહ સિરોહી, વિજય જૈન, દિલબાગ સંદિલ, અજીત ફોગાટ, અભિજીત સિંહ, સતબીર રાટેરા, નીતુ માન, અનિતા દુલ બડસિકરીનો સમાવેશ થાય છે.
હકીકતમાં હરિયાણા કોંગ્રેસ દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે મીડિયામાંથી એવા અહેવાલો પ્રાપ્ત થયા છે કે કેટલાક નેતાઓ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે અને પોતાની જ પાર્ટીના નેતાઓ સામે ચૂંટણી લડી રહ્યા છે. પાર્ટી અનુશાસનહિનતા સ્વીકારતી નથી. તેથી જ આ નેતાઓને છ વર્ષ માટે પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.
એમ જાણવા મળ્યું હતું કે આ 13 બળવાખઓર નેતાઓ વિધાનસભાની કેટલીક બેઠકો પર પોતાના જ પક્ષના ઉમેદવારોને પડકાર આપી રહ્યા હતા.
કૉંગ્રેસે અગાઉ ચિત્રા સરવરા, રાજેશ જુન અને શારદા રાઠોડની હકાલપટ્ટી કરી હતી. હવે ચિત્રા અંબાલા કેન્ટથી ચૂંટણી લડી રહી છે. રાજેશ જુન અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે અને શારદા રાઠોડ બલ્લભગઢથી ચૂંટણી લડી રહ્યા છે.
વિધાનસભાની ચૂંટણીમાં પક્ષની ટિકિટ પર લડવા માટે અનેક ઉમેદવારોની ઇચ્છા હતી. પક્ષે કેટલાક લોકોને તો સમજાવીને શાંત પાડ્યા હતા, પણ કેટલાક નેતાઓએ બળવાખોર વલણ અપનાવ્યું હતું, તેથી પાર્ટીએ તેમને બહારનો રસ્તો દેખાડી દીધો છે.