ટોપ ન્યૂઝનેશનલ

Farmers Protest: હરિયાણાના 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ લંબાવાયો, સીએમએ આપ્યું નિવેદન

લુધિયાણા/હોશિયારપુર: હરિયાણાના પંજાબ નજીકના સાત જિલ્લામાં ઈન્ટરનેટની સુવિધા પર વધુ બે દિવસ પ્રતિબંધ વધાર્યો છે. હવે 17મી ફેબ્રુઆરી સુધી ઈન્ટરનેટનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જ્યારે ‘દિલ્હી ચલો’ આંદોલન સામે હરિયાણા પોલીસની કાર્યવાહીને લઈને પંજાબમાં ઘણા સ્થળોએ ખેડૂતો ટ્રેક પર બેસી ગયા બાદ ગુરુવારે દિલ્હી-અમૃતસર રૂટ પરની કેટલીક ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી હતી.

પોતાની પેન્ડિંગ રાખેલી માગણી મુદ્દે કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી ખેડૂત સંગઠન માટે હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલે કહ્યું હતું કે ખેડૂતો પોતાની રીતે રજૂઆત કરવી જોઈએ. ટ્રેક્ટર ખેતીવાડી માટે છે, પણ ટ્રાન્સપોર્ટ માટે નથી. વાતચીતથી સમાધાન થઈ શકે છે. દિલ્હી જઈને વિરોધ પ્રદર્શન કરવો એ સૌનો અધિકાર છે, પરંતુ જતા પહેલા ચોક્કસ ઉદ્દેશ હોવો જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.

17મી ફેબ્રુઆરી સુધી રાતના 12 વાગ્યા સુધી હરિયાણાના અંબાલા, કુરુક્ષેત્ર, કૈથલ, જિંદ, હિસાર, ફતેહાબાદ, સિરસામાં ઈન્ટનેટની સેવા બંધ રાખી છે. પંજાબથી કૂચ કરેલા ખેડૂતોના આંદોલનને હરિયાણાના ખેડૂત સંગઠનનું સમર્થન મળ્યું છે, જેમાં અગાઉ ભારતીય કિસાન યુનિયન ચઢુની જૂથે તાકીદે બેઠક બોલાવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પંજાબ-હરિયાણા સરહદ પર આંદોલનકારીઓ અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે ચાલી રહેલી મડાગાંઠ વચ્ચે ત્રણ કેન્દ્રીય પ્રધાનોની પેનલ ગુરુવારે ચંડીગઢમાં વિરોધ કરી રહેલા ખેડૂત નેતાઓ સાથે વાતચીતના બીજા રાઉન્ડ માટે બેઠક કરશે.


દરમિયાન, ગુરુવારે પંજાબ અને હરિયાણાના બે સરહદી બિંદુઓ – શંભુ અને ખનૌરી – પર ખેડૂતો અને હરિયાણા સુરક્ષા કર્મચારીઓ વચ્ચે કોઈ અથડામણના કોઈ અહેવાલ નથી. કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન અર્જુન મુંડા, વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ અને ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાય અહીં સાંજે ખેડૂત નેતાઓને તેમની વિવિધ માંગણીઓ માટે મળશે, જેમાં પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ની બાંયધરી આપતો કાયદો છે.

ખેડૂતોએ અનેક ટોલ પ્લાઝા પર ધરણાં પણ કર્યા હતા અને અધિકારીઓને મુસાફરો પાસેથી ટોલ ફી ન વસૂલવાની ફરજ પાડી હતી. ભારતીય કિસાન યુનિયન (એકતા ઉગ્રહણ) અને બિકેયું ડાકુંડા (ધાનેર) એ પંજાબમાં અનેક સ્થળોએ ચાર કલાકના ‘રેલ રોકો’ આંદોલનનું આહવાન કર્યું હતું.

ખેડૂતોએ બપોરે ૧૨ વાગ્યાની આસપાસ અનેક જગ્યાએ રેલ ટ્રેક પર બેસીને તેમનો દેખાવો શરૂ કર્યો હતો. મુખ્ય દિલ્હી-અમૃતસર માર્ગ પર અનેક સ્થળોએ ખેડૂતો રેલ્વેના પાટા પર બેઠા હોવાથી, રેલ્વે સત્તાવાળાઓએ ચંદીગઢ (દિલ્હી બાજુ માટે) અને લોહિયન ખાસ (અમૃતસર અને જલંધર બાજુ માટે) ટ્રેનોના રૂટ ડાયવર્ટ કર્યા હતા.

ભારતીય રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે દિલ્હીથી આવતી શતાબ્દી અને શાન-એ-પંજાબ એક્સપ્રેસ ટ્રેનોનો પ્રવાસ લુધિયાણા રેલવે સ્ટેશન પર બંધ કરવામાં આવ્યો હતો. દરમિયાન, સંયુક્ત કિસાન મોરચાના કોલ પર, ખેડૂતોએ હરિયાણા પોલીસ દ્વારા ટીયર ગેસના ઉપયોગના વિરોધમાં ઘણા ટોલ પ્લાઝા પર દેખાવો પણ કર્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button