નેશનલ

મહાકુંભની વાયરલ સાધ્વી હર્ષા રિછારિયાએ ધર્મ છોડવાનો લીધો નિર્ણય, કહ્યું હું સીતા નથી કે…

મુંબઈ: પ્રયાગરાજ મહાકુંભ 2025 દરમિયાન સોશિયલ મીડિયા પણ ઘણા લોકો વાયરલ થયા હતા. આવા લોકોમાં હર્ષા રિછારિયા પણ એક નામ હતું. હર્ષા રિછારિયાને લોકો સુંદર સાધ્વી ગણાવી હતી. મહાકુંભના મેળા બાદ હર્ષા રિછારિયાએ સનાતન ધર્મ સાથે ચાલવાનો સંકલ્પ કર્યો હતો, પરંતુ છેલ્લા એક વર્ષમાં હર્ષા રિછારિયાના આ સંકલ્પમાં ઘણા વિઘ્નો આવ્યા છે. લોકોએ તેનું મનોબળ તોડવાનો પ્રયાસ કર્યો છે. જેથી હવે હર્ષા રિછારિયાના મનમાં સનાતન ધર્મ પ્રત્યે વિદ્રોહી માનસિકતા પેદા થઈ છે અને તેણે સનાતન ધર્મ છોડીને જવાનો નિર્ણય લીધો છે.

મેં ઘણા વિરોધનો સામનો કર્યો છે

હર્ષા રિછારિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે સનાતન ધર્મ છોડવાની વાત કરી છે. ઇન્સ્ટાગ્રામ શેર કરેલા વીડિયોમાં હર્ષાએ જણાવ્યું છે કે, “પ્રયાગરાજ મહાકુંભ 2025થી શરૂ કરેલી કહાની હવે પૂરી થઈ રહી છે અથવા હવે પૂરી થવામાં છે. આ એક વર્ષમાં મેં ઘણા વિરોધનો સામનો કર્યો છે. પ્રયાગરાજથી શરૂ થયેલો વિરોધ હવે શાંત થશે, મહાકુંભ બાદ શાંત થશે. પરંતુ ધર્મના રસ્તે ચાલતાં ચાલતાં મેં જે પણ પ્રયાસ કર્યા. હું શું કરી રહી હતી? હું ચોરી, લૂંટફાટ કે બળાત્કાર કરી રહી ન હતી, પરંતુ હું ધર્મના રસ્તે આગળ વધવા માટે જે પણ કરી રહી હતી. તેને વારંવાર અટકાવવામાં આવ્યું. મારું મનોબળ તોડવામાં આવ્યું.”

આ પણ વાંચો : મહાકુંભમાં ‘વાઈરલ ગર્લ’ હર્ષા રિછારિયાએ સાઈબર ક્રાઈમમાં નોંધાવી ફરિયાદ

મારા માથે આજે ઘણું દેવું છે

વીડિયોમાં હર્ષા રિછારિયાએ પોતાની પાછલી લાઈફસ્ટાઇલનો પણ ઉલ્લેખ કર્યો છે અને જણાવ્યું છે કે, “જે લોકોને એવું લાગે છે કે, મહાકુંભથી મેં ધર્મના નામે ધંધો કરીને કરોડો રૂપિયા છાપ્યા છે. હું આજે ઘણી ઉધારીમાં છું અને ધર્મમાં આવ્યા પહેલા જ્યારે હું એન્કરિંગ કરી રહી હતી. હું મારા પ્રોફેશન વિશે ગર્વથી કહું છું કે, હું જે કરી રહી હતી, તે સારું કરી રહી હતી. તેમાં વધારે ખુશ હતી. દેશ કરતાં વધુ વિદેશમાં રહીને હું સારા એવા રૂપિયા પણ કમાઈ રહી હતી, પરંતુ અહીં આવ્યા બાદ ઉધારી સિવાય મારી પાસે કશું બચ્યું નથી. સૌથી મોટી વાત કે મને કોઈનો સહકાર પણ મળ્યો નથી.”

હું કોઈ માતા સીતા નથી

લોકો દ્વારા થઈ રહેલા વિરોધને લઈને હર્ષા રિછારિયાએ જણાવ્યું છે કે, “મેં એવું કશું નથી કર્યું, જેનાથી મારો વિરોધ થાય. પરંતુ આપણા દેશમાં વિરોધ કરવો એ એક સરળ વાત છે. એક છોકરીનું તમે મનોબળ તોડી નથી શકતાં. તો તેનું ચરિત્રહનન કરો. પછી તો તે ભાંગી જ પડશે. તો ભાઈ, તમારો ધર્મ તમારી પાસે રાખો. હું કોઈ માતા સીતા નથી. કે હું અગ્નિપરીક્ષા આપીશ. હું છેલ્લા એક વર્ષમાં જેટલી પરીક્ષા આપવી હતી, જેટલા પ્રયાસો કરવા હતા, એ કરી લીધા છે. બસ હવે બહુ થયું. આ મૌની અમાવસ્યા પર માઘ મેળામાં હું સ્નાન કરીશ. મેં જે ધર્મ સાથે ચાલવાનો સંકલ્પ લીધો હતો તેને હું આ સ્નાન સાથે સંપૂર્ણ વિરામ આપી અને ફરીથી હું મારું જૂનું કામ કરીશ. જેમાં ન કોઈ વિરોધ હતો, ન કોઈ ચરિત્રહનન હતું કે ન કોઈ ઉધારી હતી.”

આ પણ વાંચો : પ્રયાગરાજમાં જળબંબાકાર: જ્યાં હતો મહાકુંભ, ત્યાં દેખાય છે દરિયા જેવા દ્રશ્યો

પોતાના પરિવાર સાથે જોડાયેલા રહો

વીડિયાના અંતે હર્ષાએ યુવાનોને સલાહ આપતા કહ્યું હતું કે, “હવે મને કોઈ યુવા કે ભાઈ-બહેન કહેશે કે મારે ધર્મ સાથે જોડાવું છે. અમારે ધર્મના રસ્તે જવું છે. તો હું તેઓને એટલું જ કહીશ કે, પોતાના પરિવાર સાથે જોડાયેલા રહો. તમારા ઘરના મંદિરમાં પૂજા કરો. આ સિવાય કોઈને માનશો નહીં.”

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button