હર્ષવર્ધનનું 'એમ્બેસી રેકેટ': 300 કરોડનું કૌભાંડ, 25 નકલી કંપની અને 162 વિદેશ યાત્રાનો ખુલાસો | મુંબઈ સમાચાર

હર્ષવર્ધનનું ‘એમ્બેસી રેકેટ’: 300 કરોડનું કૌભાંડ, 25 નકલી કંપની અને 162 વિદેશ યાત્રાનો ખુલાસો

ગાઝિયાબાદઃ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં નકલી દૂતાવાસ ચલાવવાના કેસમાં હર્ષવર્ધન જૈનની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં નોએડા એસટીએફ દ્વારા અનેક નવા ખુલાસા કરવામાં આવ્યા છે.

આ કેસમાં એસટીએફ અધિકારીઓએ જણાવ્યું કે બી-35 કવિનગર સ્થિત હર્ષવર્ધનના ઘરમાંથી મળેલા દસ્તાવેજો પ્રમાણે તેણે એહસાન અલી સૈયદ સાથે મળીને વિદેશમાં અનેક કંપનીઓ નોંધાવી હતી. અત્યાર સુધીમાં 25 કંપની અને બેંક ખાતાઓ વિશે માહિતી બહાર આવી છે.

આપણ વાંચો: હર્ષવર્ધને અઢી કલાકની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા કર્યા, આજે પોલીસ કોર્ટમાં રજૂ કરશે

એટીએસની તપાસમાં થયા અનેક મોટા ખુલાસા

નકલી કંપનીઓ સાથે સાથે હર્ષવર્ધન જૈનના વિદેશમાં અનેક ખાતાઓ વિશે પણ તપાસમાં જાણવા મળ્યું છે. હર્ષવર્ધન 10 વર્ષમાં 162 વખત વિદેશ પ્રવાસ કરી ચૂક્યો છે. અત્યાર સુધીમાં 300 કરોડના કૌભાંડની તપાસ કરવામાં આવી રહી છે.

હજી પણ મોટા ખુલાસાઓ થઈ શકે છે. એક ચોંકાવનારી વાત એ છે કે ચંદ્રાસ્વામી નામના વ્યક્તિએ હર્ષવર્ધનની મુલાકાત હથિયારોના વેપારી અદનાન ખાશોગી અને એહસાન અલી સૈયદ સાથે કરાવી હતી.

એહસાન અલી સૈયદ હૈદરાબાદનો રહેવાસી છે જેણે તુર્કી નાગરિકતા લીધી છે. ચંદ્રાસ્વામીએ હર્ષવર્ધનને લંડન મોકલ્યો હતો. ત્યાં બંનેએ મળીને ઘણી શેલ કંપનીઓ બનાવી હતી. એટીએસને અત્યાર સુધીમાં 25થી વધારે કંપનીઓની જાણકારી મળી છે.

આપણ વાંચો: ગાઝિયાબાદ નકલી દૂતાવાસ કેસ; ભારતમાં જન્મેલા ઇન્ટરનેશનલ ક્રિમિનલનું નામ ખુલ્યું…

આ કંપનીઓના નામે થયા હતા મોટા કૌભાંડ

આરોપીએ નોંધાવેલી કંપનીઓની વાત કરવામાં આવે તો, યુકેમાં સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન લિમિટેડ, ઇસ્ટ ઇન્ડિયા કંપની યુકે લિમિટેડ, યુએઈમાં આઇલેન્ડ જનરલ ટ્રેડિંગ કંપની એલએલસી, મોરેશિયસમાં ઇન્દિરા ઓવરસીઝ લિમિટેડ અને આફ્રિકામાં કેમરૂન ઇસ્પાત SARLનો સમાવેશ થાય છે.

આ સાથે દુબઈમાં 6, મોરેશિયસમાં 1, યુકેમાં 3 અને ભારતમાં 1 બેંક ખાતા હોવાની પુષ્ટિ થઈ છે. 2002થી 2004 સુધીમાં એહસાન અલી સૈયદે હર્ષવર્ધનના ખાતામાં 20 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યાં હતાં.

આપણ વાંચો: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાંથી નકલી દૂતાવાસ ઝડપાયું , વિદેશ મંત્રાલયનો સ્ટેમ્પ પણ મળ્યો

માત્ર 10 વર્ષમાં 162 વખત વિદેશ યાત્રા કરી

હર્ષવર્ધને 2005થી લઈને 2015 સુધીમાં કુલ 162 વર્ષ વિદેશ યાત્રા કરી હતી. આ 10 વર્ષમાં તે 19 દેશોમાં ગયો હતો. જેમાં 54 વખત યુએઈ, 22 વખત યુકે, મોરેશિયસ, ફ્રાન્સ, પોલેન્ડ, શ્રીલંકા, ઈટલી, સેબોર્ગો, ઈન્ડોનેશિયા, સિંગાપુર, જર્મની અને થાઈલેન્ડ સહિત અનેક દેશોમાં ગયો હતો. આ તમામ યાત્રાએ અંગે તપાસ કરવામાં આવશે. હર્ષવર્ધન પાસેથી 12 નકલી પાસપોર્ટ પણ જપ્ત કરવામાં આવ્યાં છે.

300 કરોડ રુપિયા લઈને દુબઈ ફરાર થઈ ગયો

આરોપી પાસે 8 વિદેશી અને 12 ભારતીય એમ કુલ 20 બેંકમાં ખાતા છે. તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે હર્ષવર્ધન અને એહસાન અલીએ સ્વિટ્ઝર્લૅન્ડમાં એ કંપનીઓને લોન આપવાની લાલચ આપી હતી જે લોકોને નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યાં હોય! કંપનીઓને લોન આપવાની લાલચ આપીને એહસાન 300 કરોડ રૂપિયા લઈને દુબઈ ફરાર થઈ ગયો હતો. તેને પકડી પાડવા માટે પણ કાર્યવાહી ચાલી રહી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button