Harda Blast: ફેક્ટરીના માલિક પોલીસ રિમાન્ડ પર અને…
હરદા/ભોપાલઃ મધ્યપ્રદેશના હરદામાં બે દિવસ પહેલા ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં અત્યાર સુધીમાં ૧૧ લોકોના મોત થઇ ચૂક્યા છે. રાજ્ય સરકાર પણ તેના સ્તરે આરોપીઓ સામે કાર્યવાહી કરી રહી છે ત્યારે આજે ફેક્ટરીના માલિકને પોલીસ રિમાન્ડ મળ્યા છે. બીજી બાજુ એક એસપીની બદલી કરી નાખવામાં આવી છે.
દરમિયાન મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવે કહ્યું છે કે તેમની સરકાર હરદામાં ફટાકડાની ફેકટરીમાં દુર્ઘટના માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરશે. આ મામલે કાર્યવાહી કરતા જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક(એસપી)ની બદલી કરવામાં આવી છે.
હરદાની સ્થાનિક અદાલતે આ ઘટનાના સંબંધમાં ધરપકડ કરાયેલા બે વ્યક્તિઓને ન્યાયિક કસ્ટડી હેઠળ જેલમાં મોકલી દીધા છે. જેમાંથી એક ફેક્ટરીનો માલિક છે. આ સિવાય અન્ય એક માલિકને કોર્ટે પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો છે.
સીએમ મોહન યાદવે બુધવારે હરદા શહેરમાં ઘાયલોને મળ્યા બાદ પત્રકારોને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આવી ઘટનાઓને રોકવા માટે નક્કર પગલાં લેશે અને આ દુર્ઘટના માટે જવાબદાર ગુનેગારોને આવી સજા મળે તે સુનિશ્ચિત કરશે. તેમણે કહ્યું કે સરકાર માત્ર નક્કર પગલાં લેશે જ નહીં, પણ એવા કડક પગલાં લેશે જે લોકો યાદ રાખશે.
મધ્ય પ્રદેશ સરકારે આ ઘટનાની વિગતવાર તપાસ કરવા માટે મુખ્ય સચિવ(ગૃહ) સંજય દુબેની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે. રાજ્ય સરકારે બુધવારે હરદા કલેક્ટર ઋષિ ગર્ગ અને પોલીસ અધિક્ષક સંજીવ કંચનની બદલી કરી હતી. મંગળવારે હરદા શહેરમાં એક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ અને ત્યારબાદ આગમાં ૧૧ લોકોના મોત થયા હતા અને ૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.