હરિદ્વારમાં આવેલી ‘હર કી પૌડી’નું નામકરણ કેવી રીતે થયું? શ્રદ્ધાળુઓ પણ નથી જાણતા સાચી વાત

Har Ki Pauri History: ઉત્તરાખંડનું હરિદ્વાર એક પૌરાણિક શહેર છે. અહીં ધાર્મિક મહત્ત્વ ધરાવતા ઘણા પૌરાણિક સ્થળો આવેલા છે. હર કી પૌડી પણ તે પૌરાણિક સ્થળો પૈકીનું એક સ્થળ છે. હિંદૂ ધર્મમાં તેનું ઘણું મહત્ત્વ છે. અહીં શ્રદ્ધાળુઓ દૂરદૂરથી આવે છે. પરંતુ અહીં જનાર શ્રદ્ધાળુઓ એ વાત નથી જાણતા કે, ‘હર કી પૌડી’ પહેલા બીજા જ કોઈ નામે ઓળખાતી હતી. જેની પાછળ એક પૌરાણિક કથા જોડાયેલી છે.
‘હર કી પૌડી’ છે મોક્ષદાયી સ્થળ

પૌરાણિક કથા અનુસાર, દુર્વાસા ઋષિના શ્રાપના કારણે દેવતાઓની સંપત્તિ સમુદ્ધના તળમાં ચાલી ગઈ હતી. જેને બહાર લાવવા માટે દેવોએ દાનવો સાથે મળીને સમુદ્ર મંથન કર્યું હતું. સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધનવંતરી અમૃત કળશ સાથે સમુદ્રમાંથી બહાર આવ્યા હતા. તે સમયે અમૃત કળશ મેળવવા માટે દેવો અને દાનવો વચ્ચે ખેંચતાણ થઈ હતી. જે દરમિયાન અમૃતના કેટલા ટીપા પૃથ્વી પર પડ્યા હતા. પૃથ્વીમાં જે જગ્યા પર અમૃતના ટીપા પડ્યાં, ત્યાં ધાર્મિક મહત્ત્વ ધરાવતા સ્થળોનું નિર્માણ થયું. જેમાં હરિદ્વાર, ઉજ્જૈન, નાસિક અને પ્રયાગરાજનો સમાવેશ થાય છે. હર કી પૌડીનો પણ આ સ્થળોમાં સમાવેશ થાય છે. જેથી આ જગ્યાને શ્રદ્ધાળુઓ પુણ્યદાયી અને મોક્ષદાયી માને છે. અહીં સ્નાન કરવાથી વ્યક્તિને મોક્ષ મળે છે, એવી માન્યતા પણ પ્રચલીત છે.
ભતૃહરિ કી પૌડીનું થયું અપભ્રંશ

ઉપરોક્ત પૌરાણિક કથા સિવાય ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્ય સાથે પણ હર કી પૌડીના ઇતિહાસની કથા સંકળાયેલી છે. ઉજ્જૈનના રાજા ભતૃહરિ પોતાના નાના ભાઈ વિક્રમાદિત્યને રાજપાટ સોંપીને હર કી પૌડીની ઉપરની પહાડીઓમાં તપસ્યા કરવા માટે ચાલ્યા ગયા હતા. અહીં ભતૃહરિએ ઘણા વર્ષો સુધી તપસ્યા કરી હતી. જે રસ્તેથી ભતૃહરિ ગંગામાં સ્નાન કરવા માટે આવ્યા હતા. ત્યાં રાજા વિક્રમાદિત્યએ પગથિયા બનાવડાવ્યા હતા અને તેને ભતૃહરિની પૌડી નામ આપ્યું હતું. પરંતુ સમય વિતતો ગયો અને નામનો અપભ્રંશ થયો અને આ સ્થળ ‘હર કી પૌડી’ તરીકે જાણીતું બન્યું.
આ સિવાય એવું માનવામાં આવે છે કે, આ સ્થળે ગંગા નદીનું અવતરણ થયું હતું. હર કી પૌડીનો અર્થ ભગવાન વિષ્ણુના ચરણ એવો થાય છે. તેથી એવું માનવામાં આવે છે કે, ભગવાન વિષ્ણુએ ગંગા નદી પર આ સ્થળે પોતાના પદચિહ્નો છોડ્યા હતા.