હલ્દ્ધાનીના હિંસાગ્રસ્ત વિસ્તારમાં સાત દિવસ પછી મળ્યા રાહતના સમાચાર
હલ્દ્ધાની: ઉત્તરાખંડમાં હલ્દ્ધાની પ્રશાસને સાત દિવસ પછી ગુરુવારે બનભૂલપુરા શહેરમાં કર્ફ્યૂમાં થોડા કલાકોની છૂટ આપી હતી. “ગેરકાયદે” મદરેસાને તોડી પાડવા મુદ્દે થયેલી હિંસા બાદ બનભૂલપુરામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. નૈનીતાલ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર ગૌજાજાલી, રેલવે બજાર અને એફસીઆઇ ગોડાઉન વિસ્તારોમાં કર્ફ્યૂમાં સવારે 9 વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી કર્ફ્યૂમાં છૂટ આપવામાં આવી છે.
બનભૂલપુરાના અન્ય વિસ્તારોમાં સવારે નવ વાગ્યાથી સવારે 11 વાગ્યા સુધી બે કલાક કર્ફ્યૂમાં છૂટ આપવામાં આવી છે. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે કર્ફ્યૂમાં છૂટ દરમિયાન જરૂરી સામાનની દુકાનો ખુલ્લી રહેશે અને રહેવાસીઓને જરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરવા માટે ઘરની બહાર જવાની મંજૂરી રહેશે.
એના સિવાય, કર્ફ્યૂમાં છૂટ દરમિયાન લોકોને બિનજરૂરી અવરજવર કરવા પર પ્રતિબંધ રહેશે. આ છૂટ બનભૂલપુરાના રહેવાસીઓની અવરજવર કર્ફ્યૂવાળા વિસ્તારો સુધી જ સિમિત રહેશે. જરૂરી સામાનની હેરફેર કરતા વાહનો પાસે મેજિસ્ટ્રેટ દ્ધારા જાહેર કરાયેલ પાસ હોવા જરૂરી છે.
જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશમાં જણાવાયું હતું કે કર્ફ્યૂ હેઠળના વિસ્તારના વિદ્યાર્થીઓ જો તેમના એડમિટ કાર્ડ બતાવશે તો તેમને તેમના બોર્ડ, યુનિવર્સિટી અથવા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કેન્દ્ર પર જવાની મંજૂરી આપવામાં આવશે. આદેશનું ઉલ્લંઘન કરવા પર આઇપીસીની કલમ 188 હેઠળ દંડ કરવામાં આવશે.
નોંધનીય છે કે 8 ફેબ્રુઆરીના રોજ બનભૂલપુરામાં ગેરકાયદે મદરેસાને તોડી પાડ્યા બાદ વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી. સ્થાનિક રહેવાસીઓએ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર હિંસામાં 6 લોકો માર્યા ગયા હતા અને પોલીસ અને પત્રકારો સહિત 100 થી વધુ લોકો ઘાયલ થયા હતા.