
દેહરાદૂનઃ હલ્દ્વાની (Haldwani Violence)માં થયેલી હિંસામાં પોલીસ પ્રશાસન એક્શનમાં આવી ગઈ છે, જેમાં 18 નામ સહિત પાંચ હજાર હિંસા-હુમલો કરનારા સામે ગુનો નોંધવામાં આવ્યા છે. અહીંની હિંસામાં પાંચ જણના મૃતદેહ મળ્યા છે. એકનું મોત બરેલી લઈ જતી વખતે થયું હતું, પરંતુ આ મુદ્દે પોલીસે હજુ સ્પષ્ટતા કરી નથી. એક દિવસની હિંસામાં લગભગ છ કરોડ રુપિયાનું નુકસાન થયું છે. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પોલીસની સાથે પેરામિલિટરી ફોર્સને તહેનાત કરવામાં આવી છે, જ્યારે બનબૂલપુરા વિસ્તારમાં આજે પણ ફ્લેગમાર્ચ કરવામાં આવી હતી.
પોલીસકર્મીઓ પર હુમલો અને આગચંપી અને તોડફોડમાં સામેલ તત્વો સામે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA) હેઠળ કાર્યવાહી કરવામાં આવશે, એમ ઉત્તરાખંડના પોલીસ મહાનિર્દેશક અભિનવ કુમારે શુક્રવારે જણાવ્યું હતું.
નૈનીતાલ જિલ્લાના હિંસાગ્રસ્ત શહેરમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી કુમારે કહ્યું હતું કે પ્રથમ પ્રાથમિકતા હલ્દ્વાની શક્ય તેટલી વહેલી તકે સામાન્ય સ્થિતિ લાવવાની છે. એડિશનલ પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) અંશુમાન સિંહ પણ તેમની સાથે હતા. દરમિયાન કુમારે કહ્યું હતું કે કર્ફ્યુ લગાવવાથી સ્થિતિ ઘણી હદ સુધી કાબૂમાં આવી ગઈ છે, પરંતુ આ સમયે અમારું વિશેષ ધ્યાન આગામી 24 કલાકમાં શહેરમાં સામાન્ય સ્થિતિ લાવવા પર છે.
બનભૂલપુરામાં પોલીસકર્મીઓ પર હુમલો કરનારા અને તોડફોડ અને આગચંપી કરનારા બેકાબૂ તત્વો સામે એનએસએ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ મહાનિર્દેશકે હલ્દ્વાની જિલ્લા સ્તરના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને તેમની પાસેથી પરિસ્થિતિ વિશે માહિતી લીધી હતી. તેઓ હોસ્પિટલમાં દાખલ ઘાયલોને મળવા પહોંચ્યા હતા. તેમણે અરાજકતાવાદી તત્વો દ્વારા સળગાવવામાં આવેલ પોલીસ સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી.
હલ્દ્વાનીમાં હિંસા બાદ સમગ્ર રાજ્યમાં પોલીસને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. ગુરુવારે સાંજે મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા બનભૂલપુરા વિસ્તારમાં સ્થિત ‘મલિક કા બગીચા’માં ગેરકાયદેસર મદરેસા અને નમાઝના સ્થળને તોડી પાડવા દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. આ ઘટનામાં બે લોકોના મોત થયા હતા જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.