
મુંબઈ: છેલ્લા ઘણા સમયથી કેટલાક સમાજોએ યુવાનોને સ્પર્ધાત્મ પરીક્ષાઓની તાલીમ આપવાની શરુ કરી છે, જેનો ઉદ્દેશ્ય મહત્વના વહીવટી પદો પર તે સમાજના યુવાનોને સ્થાન મળી શકે એ માટે તાલીમ આપવાનો હોય છે. એવામાં હજ કમિટી ઓફ ઇન્ડિયા(HCI)એ મહત્વનો નિર્ણય લીધો છે, કમિટી હવે મુસ્લિમ યુવાનોને યુનિયન પબ્લિક સર્વિસ કમીશન(UPSC) ની પરીક્ષાઓ માટે તાલીમ આપશે. મુસ્લિમો ઉપરાંત અન્ય લઘુમતી સમુદાય અને પછાત વર્ગોના ઉમેદવારોને પણ જગ્યા આપવામાં આવશે.
HCI ફરી એકવાર મુંબઈમાં કોચિંગ સુવિધા શરૂ કરવા જઈ રહી છે. અહેવાલ છે કે આ વખતે સમિતિએ મુસ્લિમ ઉમેદવારો ઉપરાંત અન્ય સમુદાયના ઉમેદવારોને પણ સામેલ કરવાનો નિર્ણય લીધો છે. આ સંદર્ભમાં એક સૂચના પણ જાહેર કરવામાં આવી છે. આ સંસ્થા ડિસેમ્બર 2023 માં બંધ કરવામાં આવી હતી. જો કે, તે સમયે સમિતિએ કહ્યું હતું કે સંસ્થા ટૂંક સમયમાં ફરી શરૂ કરવામાં આવશે.
અન્ય સમુદાય માટે આટલી બેઠકો:
એક અખબારી અહેવાલ મુજબ, HCIએ અન્ય લઘુમતીઓ, એસસી-એસટી અને ઓબીસી માટે પણ 20 ટકા બેઠકો રાખવાનો નિર્ણય લીધો છે. 80 ટકા બેઠકો મુસ્લિમ ઉમેદવારો માટે રહેશે. સમિતિએ પહેલીવાર અન્ય સમુદાયો માટે પણ બેઠકોનો સમાવેશ કરવાની જાહેરાત કરી છે.
આ રીતે થશે સિલેકશન:
સમિતિએ 22 મેના રોજ એક સૂચના બહાર પાડી હતી, જેના દ્વારા નવી બેચ માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. આ અંતર્ગત, ઉમેદવારોએ 2026 સિવિલ સર્વિસીસ પરીક્ષા માટે તૈયારી કરવાની રહેશે. 13 જુલાઈના રોજ દેશના 21 કેન્દ્રો પર પ્રવેશ પરીક્ષા યોજાશે. આ પછી, લેખિત પરીક્ષા અને બાદમાં ઇન્ટરવ્યુ લેવામાં આવશે. આ પ્રક્રિયા દ્વારા 100 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. કોચિંગ કાર્યક્રમ 11 ઓગસ્ટથી શરૂ થશે.
દાન પર ચાલે છે સંસ્થા:
હજ માટે જતા લોકો પાસેથી મળેલા દાન પર આ કોચિંગ સંસ્થા ચાલે છે. તેની શરૂઆત વર્ષ 2009 માં કરવામાં આવી હતી. અખબારે સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે અત્યાર સુધીમાં લગભગ 1500 વિદ્યાર્થીઓએ કોચિંગ લીધું છે અને 25 વિદ્યાર્થીઓ સિવિલ સર્વિસીસમાં પસંદ થઇ ચુક્યા છે.
ખાસ વાત એ છે કે ઉમેદવારોને રહેવાની વ્યવસ્થા અને કોચિંગ મફતમાં આપવામાં આવે છે અને ભોજન સબસિડીવાળા દરે પૂરું પાડવામાં આવે છે.
આ પણ વાંચો….UPSC aspirants ધ્યાન આપો! રજીસ્ટ્રેશન અને અરજી કરવા માટે નવું પોર્ટલ લોન્ચ…