નેશનલ

હાફિઝ સઈદ પહલગામ હુમલાના માસ્ટરમાઈન્ડ સાથે દેખાયો, પાક. સરકારનો આતંકીઓને ખુલ્લો ટેકો!

નવી દિલ્હી: ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર(PoK)માં એર સ્ટ્રાઈક કરીને 9 આતંકવાદી ઠેકાણાંનો નાશ કર્યો હતો. આ એર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલા આતંકવાદીઓની અંતિમ યાત્રામાં પાકિસ્તાન સરકાર અને સેનાના અધિકારીઓ હાજર રહ્યા હતાં. આ સાથે પોલ ખુલી ગઈ હતી કે પાકિસ્તાન આતંકવાદીઓને શરણ આપે છે. દુનિયાના કુખ્યાત આતંકવાદીઓ પાકિસ્તાનમાં રહે છે. એવામાં હવે લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદ(Hafiz Saeed)ની એક નવી તસવીર જાહેર થઇ છે.

હાફિઝ સઈદની આ તસવીરમાં પહલગામ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ સૈફુલ્લાહ કસૂરી (Saifullah Kasuri) પણ જોવા મળી રહ્યો છે.

બંને ષડ્યંત્ર રચી રહ્યા છે?
યુનાઇટેડ નેશન્સે હાફિઝ સઈદને આતંકવાદી જાહેર કર્યો છે. હાફિઝ સઈદ 26/11 મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ છે. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ મુરીદકેમાં હાફિઝના મુખ્યાલયનો નાશ કર્યો હતો, પરંતુ હાફિઝ બચી ગયો હતો. હવે એક તસવીરમાં હાફિઝ સૈફુલ્લાહ કસુરી સાથે જોવા મળી રહ્યો છે. જેથી એવી અટકળો લાગી રહી છે કે બંને આતંકવાદી આકા મળીને ફરી કોઈ ષડ્યંત્ર રચી રહ્યા છે.

પાકિસ્તાનમાં આતંકવાદીઓ ગભરાયા:
જોકે, આ તસવીર ક્યાંની છે? ક્યારે ક્લિક કરવામાં આવી હતી? બંને કેમ મળ્યા હતાં? એ અંગેની માહિતીની હજુ પુષ્ટિ કરવામાં આવી નથી. પાકિસ્તાન સરકારના સમર્થનમાં ઉછરી રહેલા આતંકવાદીઓ ઓપરેશન સિંદૂરથી ગભરાઈ ગયા છે.

સૈફુલ્લાહનો નવો વીડિયો:
પહલગામ હુમલાના આતંકવાદી આકા સૈફુલ્લાહ કસુરીનો એક નવો વીડિયો પણ જોવા મળ્યો છે. માસ્ટરમાઇન્ડ સૈફુલ્લાહ કસુરી લશ્કરના સશસ્ત્ર બોડીગાર્ડ સાથે જોવા મળી રહ્યો છે. વીડિયોમાં સૈફુલ્લાહ કસુરીનું ફૂલોથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

પાકિસ્તાનમાં આતંકવાદને સમર્થન:
આ દરમિયાન હાજર બોડીગાર્ડ હાથમાં AK-47 અને M-14 કાર્બાઇન જેવી ખતરનાક રાઇફલો જોવા મળે છે. સાથે ફરી એક વાર સ્પષ્ટ થઇ ગયું છે કે પાકિસ્તાનમાં આતંકવાદીઓને છૂટો દોર આપવામાં આવી રહ્યો છે. છેલ્લા 5 દિવસથી, લશ્કર-એ-તૈયબા, જમાત-ઉદ-દાવા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનોના આતંકવાદીઓ પાકિસ્તાનમાં સરઘસ કાઢી રહ્યા છે અમે આતંકવાદી પ્રવૃતિઓ માટે ફાળો ઉઘરાવી રહ્યા છે.

આપણ વાંચો : પાકિસ્તાન પહેલાથી જ સિંધુ જળ સંધિનું ઉલ્લંઘન કરી ચૂક્યું છે! યુએનમાં ભારતે શાહબાઝને ઝાટક્યા…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button