ટોપ ન્યૂઝનેશનલ

જ્ઞાનવાપી કેસ: અલાહાબાદ હાઈકોર્ટે આપ્યો મુસ્લિમ પક્ષને ઝટકો, વ્યાસજીના ભોંયરામાં પૂજા ચાલુ રહેશે

પ્રયાગરાજઃ અલાહાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી કેસમાં હિંદુઓની તરફેણમાં પોતાનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દેતા વ્યાસ ભોંયરામાં હિન્દુ પક્ષની પૂજા ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે.

આ પહેલા વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટે પણ આ કેસમાં હિંદુઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. વારાણસી જિલ્લા ન્યાયાધીશે વ્યાસજીના ભોંયરામાં હિન્દુ પક્ષને પૂજા કરવાની મંજૂરી આપી હતી, જેની સામે મુસ્લિમ પક્ષે અલાહાબાદ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. અલાહાબાદ હાઇ કોર્ટમાં જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની ખંડપીઠે જ્ઞાનવાપી મસ્જિદનું સંચાલન કરતી સંસ્થા અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટી દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર સુનાવણી કરી હતી જો કે, અહીં પણ મુસ્લિમ પક્ષને નિરાશા જ મળી હતી. અલાહાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં પૂજા કરવાનો હિન્દુઓનો અધિકાર પર ચુકાદો અનામત રાખ્યો હતો. હાઈકોર્ટે હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. મુસ્લિમ પક્ષે દાવો કર્યો હતો કે વારાણસી કોર્ટ દ્વારા ડીએમને રીસીવર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેઓ પહેલેથી જ કાશી વિશ્વનાથ મંદિરના સભ્ય છે. તેથી તેમની નિમણૂક થઈ શકે નહીં. મુસ્લિમ પક્ષે એમ પણ કહ્યું હતું કે દસ્તાવેજમાં કોઈ ભોંયરું હોવાનો ઉલ્લેખ નથી.


ડિસેમ્બર 1993 પછી જ્ઞાનવાપીના પ્રાંગણમાં બેરિકેડેડ વિસ્તારમાં પ્રવેશવા પર પ્રતિબંધ હતો, ત્યારબાદ વ્યાસજીના ભોંયરામાં પૂજા થતી ન હતી. હિંદુ પક્ષે કોર્ટમાં એવો પણ દાવો કર્યો હતો કે બ્રિટિશ શાસન દરમિયાન પણ અહીં પૂજા થતી હતી. આ ભોંયરામાં હિંદુ ધર્મની પૂજા સંબંધિત સામગ્રી અને અનેક પ્રાચીન શિલ્પો અને ધાર્મિક મહત્વની અન્ય સામગ્રીઓ હાજર છે.


હાઈકોર્ટની અરજી ફગાવી દીધા બાદ હવે મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button