જ્ઞાનવાપી ASI સર્વેઃ આજે જ્ઞાનવાપીમાં વૈજ્ઞાનિક સર્વે પૂર્ણ થશે, આવતીકાલે કોર્ટમાં રિપોર્ટ રજૂ કરાશે

વારાણસીના જ્ઞાનવાપી પરિસરમાં આર્કીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા(ASI)ના સર્વેનું કામ આજે પૂર્ણ થશે. શુક્રવારે ASI વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સીલબંધ પરબિડીયામાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે. ASIએ કલેક્ટર કચેરીની તિજોરીમાં સંકુલની અંદરથી મળેલા 250 થી વધુ અવશેષો સુરક્ષિત રાખ્યા છે. ASI આજે અન્ય કેટલાક પુરાવાઓ સાચવવા માટે મોકલશે.
કોર્ટના આદેશ બાદ જ્ઞાનવાપી કેમ્પસમાં સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. 21મી જુલાઈના રોજ વારાણસીના જિલ્લા ન્યાયાધીશ ડૉ. અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટે ASIને જ્ઞાનવાપીના સીલ કરાયેલ વેરહાઉસ સિવાય બાકીના પરિસરમાં સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. ASIએ 24 જુલાઈથી જ્ઞાનવાપીમાં સર્વેની કામગીરી શરૂ કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સર્વે બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે બાદમાં સુપ્રીમ કોર્ટે મંજુરી આપી હતી.
ASIની ટીમે GPR અને અન્ય ટેકનિક દ્વારા જ્ઞાનવાપી સંકુલનો સર્વે કર્યો હતો. આ સમયગાળા દરમિયાન ઘણા પુરાવા મળ્યા હતા. જ્ઞાનવાપી પરિસર અને ભોંયરાઓનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં હૈદરાબાદની વિશેષ ટીમ અને કાનપુરના નિષ્ણાતો પણ સર્વેમાં સામેલ થયા હતા. ASIના એડિશનલ ડાયરેક્ટર આવતીકાલે કોર્ટમાં રિપોર્ટ રજૂ કરશે.