
અમદાવાદ: દેશના વિવિધ ભાગો હાલમાં ગંભીર હવામાનની બેવડી અસરનો સામનો કરી રહ્યા છે. ગુજરાતમાં ધીમેધીમે ઠંડીનો પારો વધી રહ્યો છે. ઉત્તર ભારતમાંથી સૂસવાટાભેર આવતા પવનોને કારણે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. આ ઠંડા પવનો પારાના સ્તરને વધુ નીચે લાવશે, એવી હવામાન નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે.
કયા જિલ્લામાં રહેશે નીચું તાપમાન
ઉત્તર ગુજરાતના મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં 13°C થી 15°C આસપાસ તાપમાન તાપમાન રહેશે તેવી આગાહી છે. મધ્ય ગુજરાતમાં 16°C થી 17°C આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે. જૂનાગઢ અને અમરેલીમાં 15°C થી 16°C આસપાસ તાપમાન રહેશે તેવી આગાહી છે. કચ્છ અને દરિયાકિનારાના ભાગોમાં સવારે ઠંડક સાથે 17°C થી 18°C આસપાસ તાપમાન રહેશે તેવી આગાહી છે. આ સાથે રાજકોટ સહિતના વિસ્તારોમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે.
14 રાજ્યોમાં રહેશે ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ
છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઓછી વિઝિબિલિટીના કારણે ગ્રેટર નોઇડા તથા યમુના એક્સપ્રેસવે પર અકસ્માતો સર્જાયા છે. જેથી ગાઢ ધુમ્મસને લઈને પણ ભારતીય હવામાન વિભાગ દ્વારા કેટલાક રાજ્યોને અલર્ટ કરવામાં આવ્યા છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી મુજબ, 17 થી 21 ડિસેમ્બર દરમિયાન ઉત્તર ભારત, મધ્ય ભારત અને ઉત્તરપૂર્વ ભારતના ઘણા વિસ્તારોમાં સવારે ગાઢથી લઈને અતિ ગાઢ ધુમ્મસ પડવાની સંભાવના છે. જેમાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઓડિશા અને ઉત્તરપૂર્વ સહિત કુલ 14 રાજ્યોનો સમાવેશ થાય છે. IMD દ્વારા આ રાજ્યોના રહેવાસીઓને સાવધાની રાખવા અને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.
દિલ્હીમાં AQI ઘટવાની ધારણા
ઉલ્લેખનીય છે કે, હવામાન નિષ્ણાતોની આગાહી પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ઝડપી સક્રિય થવાથી પવનની ગતિમાં વધારો થવાની ધારણા છે. જોરદાર ઠંડા પવનોના કારણે વાયુ પ્રદૂષણમાં ઘટાડો થવાની અને AQI સ્તર ઘટવાની ધારણા છે. જેથી ક્રિસમસ પહેલા દિલ્હી-NCRના રહેવાસીઓને થોડી રાહત મળી શકે છે. આજે સવારેબાવાના વિસ્તારમાં AQI 378 નોંધાયો હતો, જે હજી પણ હવામાનની ‘ખરાબ’ સ્થિતિ દર્શાવે છે.
આપણ વાંચો: ઇથોપિયામાં PM મોદીનું થયું ભવ્ય સ્વાગત: PM અલી અહમલ અલીએ પ્રોટોકોલ તોડીને કર્યું અનોખું કામ…



