પિતાએ જ દીકરીને મારી ગોળી: સ્ટેટ ટેનિસ પ્લેયર રાધિકા યાદવનું હત્યાનું શું છે કારણ?

ગુરુગ્રામ: એવું કહેવાય છે કે, પિતાને દીકરી અને દીકરીને પિતા બહું વહાલા હોય છે. પરંતુ આજે પિતાએ દીકરીની હત્યા કર્યાની ઘટના સામે આવી છે. ગુરુગ્રામની રહેવાસી સ્ટેટ ટેનિસ પ્લેયર રાધિકા યાદવની તેના પિતાએ હત્યા કરી છે.
રાધિકાને ઇન્ફ્લુએન્સર બનવું હતું
25 વર્ષીય સ્ટેટ ટેનિસ પ્લેયર રાધિકા યાદવે અનેક મેડલ જીતીને પરિવારનું નામ રોશન કર્યું હતું. પરંતુ બે વર્ષ પહેલાં તેને ઈજા પહોંચી હતી. જેથી તે રમી શકતી ન હતી. રાધિકાએ હવે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બનવા ઈચ્છતી હતી. જેથી તેણે રીલ્સ બનાવવાની શરૂઆત કરી હતી.
ગ્રામજનોના કારણે પિતાને આવ્યો ગુસ્સો
રાધિકાની રીલ્સને લઈને ગ્રામજનો તેના પિતાને મ્હેણાટોણા મારતા હતા. જેથી તેઓ શરમ અનુભવતા હતા. છેલ્લા કેટલાક દિવસોથી તે ડિપ્રેશનમાં પણ રહેતા હતા. ડિપ્રેશનમાં આવેલા પિતાએ ગુસ્સામાં આવીને રિવોલ્વર વડે એક બાદ એક ત્રણ ગોળી મારીને હત્યા કરી હતી.
પિતાએ કરી ગુનાની કબૂલાત
ગોળી વાગ્યા બાદ રાધિકાને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાધિકાનું મૃત્યુ નીપજ્યું હતું. રાધિકા યાદવની હત્યાને પગલે ગુરુગ્રામ પોલીસે તપાસ પણ શરૂ કરી દીધી હતી. શરૂઆતમાં રાધિકાના પરિવારે પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પોલીસે કડક પૂછપરછ કરતા રાધિકાના પિતાએ ગુનો કબૂલ કર્યો હતો. પોલીસે રાધિકા યાદવના પિતાની ધરપકડ કરીને રિવોલ્વર પણ જપ્ત કરી હતી.