ઇમ્ફાલ પૂર્વના બે ગામમાં બંદૂક અને બોમ્બ હુમલોઃ આર્મીએ કરી જવાબી કાર્યવાહી
ઇમ્ફાલઃ મણિપુરમાં પહાડી વિસ્તારોના સશસ્ત્ર લોકોએ આજે ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના બે ગામડાઓમાં બંદૂકો અને બોમ્બ વડે હુમલો કર્યો હતો, પરિણામે સ્થાનિક લોકોમાં ડરનો માહોલ પેદા થયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર સનસાબી અને થમનાપોકપી ગામોમાં થયેલા હુમલામાં કોઇ જાનહાનિના સમાચાર નથી. તેમણે કહ્યું કે સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી. જેના લીધે બંને ગામોમાં ભીષણ ગોળીબાર થયો હતો.
અધિકારીએ જણાવ્યું કે પહાડી વિસ્તારોમાંથી સશસ્ત્ર લોકોએ સવારે લગભગ ૧૦-૪૫ વાગ્યે સનસાબી ગામ અને આસપાસના વિસ્તારોમાં અંધાધૂંધ ગોળીબાર અને બોમ્બ ફેંકવાનું શરૂ કર્યું હતું. જેથી સુરક્ષા કર્મચારીઓએ જવાબી કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. હથિયારોથી સજ્જ લોકો અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે ગોળીબાર શરૂ થયા બાદ સ્થાનિક લોકો આમતેમ ભાગતા જોવા મળ્યા હતા.
આપણ વાંચો: મણિપુરમાં સ્ટારલિંકના ડિવાઈસના ઉપયોગ અંગે ખળભળાટ; ઈલોન મસ્કે સ્પષ્ટતા કરી
અધિકારીએ વધુમાં જણાવ્યું કે સશસ્ત્ર લોકોએ જિલ્લાના થમનાપોકપી ગામમાં પણ સવારે લગભગ ૧૧-૩૦ વાગ્યે હુમલો કર્યો હતો. જેના કારણે ત્યાંના રહેવાસીઓમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. સીઆરપીએફના કર્મચારીઓ સહિત સુરક્ષા દળોએ ગોળીબારીમાં ફસાયેલા મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને બચાવ્યા હતા.
નોંધનીય છે કે ગયા વર્ષે મણિપુરમાં મેથી મેઇતેઇ અને કુકી સમુદાયો વચ્ચે ફાટી નીકળેલી કોમી હિંસામાં ૨૫૦થી વધુ લોકોના મોત થયા છે અને હજારો લોકો બેઘર થયા છે.