ઝારખંડના જમશેદપુરમાં ગુજરાતી ગરબાની ધૂમ, ગુજરાતી સમાજે મનાવી નવરાત્રિ

જમશેદપુર: ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!” કવિ અરદેશર ખબરદારની આ પંક્તિને ગુજરાતીઓએ ચરિતાર્થ કરી બતાવી છે, તેના તો ગણ્યા ગણાય નહિ તેટલા પ્રસંગો આપણી સામે છે. ત્યારે ગુજરાતની આગવી ઓળખ સમાન નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે. ગુજરાત સહિત દેશ અને વિદેશમાં નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે, ઝારખંડના જમશેદપુરમાં દુર્ગા ઉત્સવની ભવ્યતાની સાથે જ ગુજરાતના ગરબા અને નોરતાની રંગત જામી હતી. અહી સમગ્ર દેશમાંથી લોકો વસે છે અને આથી જ તેની ઓળખ ‘મીની ઇન્ડિયા’ છે.

જમશેદપુરમાં ગુજરાતી સનાતન સમાજ દ્વારા આયોજિત વાર્ષિક ગરબા ઉત્સવ થકી શહેરની નવરાત્રી ઉજવણીને જીવંત અને રંગીન બનાવી દીધી હતી. ગુજરાતી સમાજ દ્વારા નવરાત્રિની જે ઉજવણી ગુજરાતમાં હોય તેવી જ રીતે ઉજવણી કરીને જાણે ગુજરાત ખડું કરી દીધું હતું. વરિષ્ઠ નાગરિકોએ માતાજીની અર્ચના, સ્થાપન સહિતમાં ગુજરાતી પરંપરાઓને જીવંત બનાવી હતી, જ્યારે યુવાનોએ ગરબા થકી ગુજરાત ખડું કર્યું હોવાની અનુભૂતિ કરાવી દીધી હતી.
ગુજરાતી સમાજ દ્વારા આયોજિત નવરાત્રીમાં કાયમ એક જુદી જુદી થીમ પર ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 30 સપ્ટેમ્બરના રોજ અષ્ટમીના દિવસે સવારે 11 વાગ્યાથી પરંપરાગત કુમારી પૂજન અને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ દશેરાની ઉજવણીમાં પરંપરાગત નૃત્ય અને ગીત પ્રસ્તુતિઓનો સમાવેશ થશે, જેનું સમાપન સામૂહિક આરતી સાથે થશે.” ત્યારબાદ ગુરુવારે મહાપૂજા તેમજ ધ્વજારોહણ બાદ આ કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે.