
શિવપૂરી: મધ્ય પ્રદેશથી ગુજરાત માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. કાશી વિશ્વનાથથી પરત ફરેલી ગુજરાતી કલાકારોની ટ્રાવેલર બસનો મધ્ય પ્રદેશના શિવપૂરી પાસે અકસ્માત થયો છે. જેમાં બસમાં સવાર 20 લોકો પૈકી 4 લોકોનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે અન્ય લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે.
કાશી વિશ્વનાથથી પરત ફરી રહી હતી ટ્રાવેલર બસ
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લાના અંદાજીત 15 મ્યુઝિશિયનોનું ગૃપ ટ્રાવેલરમાં સવાર થઈને વારાણસીના કાશી વિશ્વનાથ ખાતે યોજાયેલ શિવકથાના કાર્યક્રમમાં ભાગ પોતાનું પર્ફોમન્સ આપવા માટે ગયું હતું. શિવકથામાં પોતાનુ પર્ફોમન્સ આપ્યા બાદ શુક્રવારે સાંજે મ્યુઝિશિયનનું આ ગૃપ ગુજરાત પરત આવવા માટે રવાના થયું હતું. ત્યારે આજે સવારે 5.30 વાગ્યાની આસપાસ આ મ્યુઝિશિયન ગૃપની ટ્રાવેલર બસ મધ્ય પ્રદેશના નેશનલ હાઈવે-46 પરથી પસાર થઈ રહી હતી. ત્યારે ટ્રાવેલર બસના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગૂમાવ્યો હતો. પરિણામે ટ્રાવેલરનો એક ટ્રક સાથે ગંભીર અકસ્માત થયો હતો.
એક ગાયકનું ઘટનાસ્થળે જ મોત
મધ્ય પ્રદેશના શિવપુર પાસે થયેલા અકસ્માતને લઈને સુરવાયા પોલીસ સ્ટેશનથી પોલીસ કર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી અને ઈજાગ્રસ્તોને હૉસ્પિટલ ખાતે મોકલ્યા હતા. આ અકસ્માતમાં ટ્રાવેલર બસમાં સવાર ઓરકેસ્ટ્રા ગ્રુપના એક સિંગર સહિત 4 લોકોના મોત નિપજન્યું હતું. જેમાં હાર્દિક દવે નામના ગાયકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે રાજા ઠાકુર, અંકિત ઠાકુર અને રાજપાલ સોલંકી નામના ત્રણ લોકોનું હૉસ્પિટલમાં તબીબી સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
ચાર મૃતકો સિવાય બસમાં સવાર રાવલ મોહિત, આશિષ વ્યાસ, મોહલિક, નરેન્દ્ર નાયક, ચેતન કુમાર, ઋષિકેશ, વિપુલ, અરવિંદ, અર્જુન, હર્ષદ ગોસ્વામી અને ટ્રાવેલરનો ડ્રાઇવર ઇજાગ્રસ્ત થયો છે. જે પૈકી 7 લોકો ગંભીર હાલતમાં હોવાનું અનુમાન છે. સુરવાયા પોલીસ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને અકસ્માતની ઘટનાની તપાસ શરૂ કરી છે. ડ્રાઇવરને ઝોકું આવવાથી આ અકસ્માત થયો હતો એવું પોલીસની શરૂઆતની તપાસ જણાવી રહી છે.
આપણ વાંચો: આ બિહારી બાળકોની વ્યથાથી સોનૂ સૂદનું હૃદયતો પિગળ્યું, પણ સરકાર શું કરે છે?