નેશનલ

PM Modiના વતનમાં 2800 વર્ષ જૂની વસાહત મળી આવી, 2016થી ASI દ્વારા ચાલતુ હતું ખોદકામ

વડનગર: પીએમ મોદીના વતન વડનગરમાં પુરાતન કાળની 2800 વર્ષ જૂની એક વસાહતના અવશેષો મળી આવ્યા છે. IIT ખડગપુર, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, ફિઝીકલ રિસર્ચ લેબોરેટરી, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી તથા ડેક્કન કોલેજના શોધકર્તાઓ વર્ષ 2016થી સંયુક્તપણે ખોદકામની કામગીરી કરી રહ્યા હતા. આ વસાહત મળ્યાનો અર્થ એવો થાય છે કે વડનગરમાં આજથી 2800 વર્ષ પહેલા માનવ વસાહતો અસ્તિત્વ ધરાવતી હતી.

IIT ખડગપુરના પ્રોફેસર ડૉ. આનિંદ્યા સરકારે જણાવ્યું હતું કે વડનગરમાં વર્ષ 2016થી ખોદકામ ચાલી રહ્યું હતું અને ટીમ દ્વારા લગભગ 20 મીટરની ઉંડાઇ સુધી ખોદકામ કર્યું છે. ભારતીય પુરાતત્વ ખાતાના અધિકારી અભિજીત અંબેકરે જણાવ્યું હતું કે ઉંડી ખાઇમાં ખોદકામ કર્યા બાદ 7 સાંસ્કૃતિક કાળખંડોના અવશેષો મળી આવ્યા છે, જેમાં મૌર્યયુગ, ઇન્ડોગ્રીક યુગ, શક-ક્ષત્રપ કાળ, સોલંકી યુગ, મોગલ સલ્તનતનો યુગ અને ગાયકવાડ-બ્રિટિશ શાસન સહિતના કાલખંડોમાં વપરાતી ચીજવસ્તુઓ મળી આવી છે.


“દક્ષિણ એશિયામાં પ્રાગઐતિહાસિક કાળથી મધ્યયુગ સુધીના સમયગળામાં જળવાયુ, માનવ વસ્તી અને હિજરત: પશ્ચિમ ભારત, વડનગરમાં મળેલા પુરાતાત્વિક ખનનમાં મળેલા અવશેષો” નામના રિસર્ચ પેપરમાં આ સંશોધનની વિગતો પ્રકાશિત થઇ છે. આ અભ્યાસ પરથી આજથી આશરે 3000 વર્ષ પહેલાના સમયમાં થઇ ગયેલા રાજાઓ, તેના ઉદય અને પતનની કથા, વિદેશી આક્રમણો, તેમની સંસ્કૃતિ, આબોહવામાં કેવા ફેરફારો થયા, દુષ્કાળ-અતિવૃષ્ટિ જેવી બાબતોના પુરાવા મળે છે.


શોધકર્તાઓને ખોદકામમાં એક વર્ષો જૂનો બૌદ્ધ મઠ મળી આવ્યો છે, માટીના વાસણો, સોના-ચાંદી તથા લોખંડની ચીજવસ્તુઓ, જટિલ સંરચના ધરાવતા આભૂષણો મળી આવ્યા છે. આ ઉપરાંત ઇન્ડો ગ્રીક શાસનની હાજરી પુરાવતા યુનાની રાજા એપોલોડેટસના સિક્કા-સંચા મળી આવ્યા છે. શોધકર્તાઓને મળી આવેલા તમામ અવશેષોમાં સૌથી જૂના અવશેષો ઇસવીસન પૂર્વે 800ના છે. પુરાતત્વ ખાતા દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વડનગર કદાચ 3000 વર્ષ કે તેથી જૂનું પણ હોઇ શકે છે.


વડનગરમાં આઝાદી બાદથી જ પુરાતત્વ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ ઉત્ખનન ચાલી રહ્યું હતું. વર્ષ 1953ની આસપાસ પુરાતત્વવિદ ડૉ. બી સુબ્બારાવના નેતૃત્વમાં વડનગરમાં ઉત્ખનન શરૂ થયું હતું, પ્રાથમિક ખોદકામમાં બૌદ્ધ સંસ્કૃતિની હાજરી પુરાવતા ઘણા અવશેષો પ્રાપ્ત થયા હતા. વર્ષ 1992માં વડનગરના એક ખેતરમાંથી બોધિસત્વની મૂર્તિ પણ મળી આવી હતી. અત્યાર સુધી વડનગરમાંથી ઓછામાં ઓછા 1 લાખથી વધુ પુરાતન અવશેષો મળી આવ્યા છે. પીએમ મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે પણ ખનન કામગીરી ચાલુ જ હતી. લગભગ 30 જગ્યાઓએ પુરાતત્વ ખાતાએ ઉત્ખનનની કામગીરી કરેલી છે, જેમાં બૌદ્ધ ઉપરાંત, હિંદુ, તથા જૈન ધર્મના પણ અવશેષો મળી આવ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button