ટોપ ન્યૂઝનેશનલ

આકાશમાંથી અગનવર્ષા: ગુજરાતના આ શહેરમાં તાપમાન 46 ડિગ્રીએ પહોંચ્યું, આ રાજ્યોમાં હીટવેવ એલર્ટ…

નવી દિલ્હી: એપ્રિલના શરૂઆતમાં જ દેશના ઘણા રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે, જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. એવામાં હવામાન વિભાગે હિટ વેવની આગાહી (Heat wave Alert) કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન દિલ્હી, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, ગોવા અને મહારાષ્ટ્રમાં હિટ વેવ રહેશે અને ગરમ પવનો પણ ફૂંકાઈ શકે છે.

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ઘણી જગ્યાએ તાપમાન 43-46 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ રહ્યું છે.

ગઈ કાલે બુધવારે ગુજરાતના કચ્છ જીલ્લાના કંડલામાં મહત્તમ તાપમાન 45.6 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. રાજસ્થાનના બાડમેરમાં 44.3 ડિગ્રી સેલ્સિયસ અને પિલાનીમાં 44 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. એ જ રીતે મહારાષ્ટ્રના અકોલા અને જલગાંવમાં મહત્તમ તાપમાન 43.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મધ્યપ્રદેશના રતલામમાં મહત્તમ તાપમાન 44.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

આ પણ વાંચો: ગુજરાતમાં હીટવેવ, કંડલા 45 ડિગ્રીએ ધખધખ્યું, ભુજમાં 44 ડિગ્રી…

દિલ્હીમાં તાપમાનમાં વધારો:

દિલ્હી-એનસીઆરમાં ઘણી જગ્યાએ મહત્તમ તાપમાન સામાન્ય કરતા 4-6 ડિગ્રી વધારે નોંધાયું છે. ભારતીય હવામાન વિભાગે આજે દિલ્હીમાં મહત્તમ તાપમાન 40-41 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી કરી છે. જોકે, શુક્રવારે દિલ્હીમાં હળવો વરસાદ પાડવાની શકયતા છે. જેનાથી લોકોને ગરમીથી થોડી રાહત મળી શકે છે.

છેલ્લા 24 કલાક દરમિયાન, દિલ્હી-એનસીઆરમાં લઘુત્તમ તાપમાનમાં 03 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાનમાં 01 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં મહત્તમ તાપમાન અનુક્રમે 39 થી 41 ડિગ્રી સેલ્સિયસ અને અને લઘુત્તમ તાપમાન 24 થી 26 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાયંં હતું.

આ પણ વાંચો: ગુજરાતમા શિક્ષણ વિભાગનો પરિપત્ર, હીટવેવના પગલે શાળાઓને આપી આ સુચનાઓ…

આ રાજ્યોમાં વરસાદ પડી શકે છે:

હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 24 કલાકમાં દરમિયાન, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમ, કેરળ, માહે, તેલંગાણા, કર્ણાટક અને મધ્ય ભારતમાં પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન, 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.

10 એપ્રિલે એટલે કે આજે બિહાર અને ઝારખંડમાં વરસાદ પડી શકે છે. કેટલીક જગ્યાએ કરા પડવાની શક્યતા છે. ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, મેઘાલય અને સિક્કિમમાં આવતીકાલે વરસાદ પડી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button