
નવી દિલ્હી: મૂળ કેરળની નર્સ નિમિષા પ્રિયાને યમનમાં 16મી જુલાઈના રોજ મૃત્યુદંડ આપવાનું નક્કી થયું હતું. નિમિષા પ્રિયાને બચાવવા ભારત સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે, ગઈ કાલ સુધી કોઈ સફળતા મળી ન હતી. એવામાં આજે સમાચાર મળી રહ્યા છે કે, યમનના સ્થાનિક અધિકારીઓએ નિમિષા પ્રિયાની ફાંસીની સજા મુલતવી (Nimisha Priya execution postponed) રાખી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે મામલો સંવેદનશીલ હોવાથી, ભારતીય અધિકારીઓ સ્થાનિક જેલ તંત્ર અને ફરિયાદી પક્ષના વકીલો સાથે નિયમિત સંપર્કમાં છે. હાલમાં ચાલી રહેલી વાટાઘાટોને ધ્યાનમાં રાખીને આ સજા મુલતવી રાખવામાં આવી હોઈ શકે છે, જો કે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
ગઈ કાલે સરકારે આશા છોડી દીધી હતી:
ગઈ કાલે સુપ્રીમ કોર્ટમાં ભારત સરકારે જણાવ્યું હતું કે અમે બનતું બધુ જ કરી ચુક્યા છીએ. એટર્ની જનરલ આર વેંકટરામણીએ કોર્ટમાં કહ્યું,”એ દુર્ભાગ્યપૂર્ણ છે…પણ અમે પણ એક હદ સુધી જ પ્રયત્ન કરી શકીએ છીએ. અમે બનતું બધું જ કરી જોયું છે. ભારત સરકાર હવે કંઈ કરી શકે તેમ નથી. અમે તેના વિશે જાહેરમાં વધુ વાત કરી નથી. આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. પરંતુ સરકારના કાર્યોની પણ એક મર્યાદા હોય છે “
‘સેવ નિમિષા પ્રિયા ઇન્ટરનેશનલ એક્શન કાઉન્સિલ’ ના વકીલે જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાને કહ્યું, “એકમાત્ર રસ્તો એ છે કે (મૃતક પુરુષનો) પરિવાર ‘બ્લડ મની’ (એટલે કે, નાણાકીય વળતર) સ્વીકારવા સંમત થાય.”
આપણ વાંચો: અવકાશમાંથી કેવી રીતે પૃથ્વી પર પરત ફરે છે અવકાશયાત્રી, જાણો સમગ્ર પ્રક્રિયા
તલાલ અબ્દો મહદી નામના યમનના નાગરિકની હત્યાના કેસમાં નિમિષાને દોષી ઠેરવવામાં આવી છે. 16 જુલાઈએ તેને મૃત્યુદંડની સજા આપવાનું નક્કી થયું છે. મૃતક તલાલ અબ્દો મહદીનો પરિવારને 10 લાખ ડોલર એટલે કે 8.5 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવ્યા હતાં, પરિવારે આ રકમ સ્વીકારી ન હતી.
નિમિષાના પરિવારે તમામ આશા છોડી દીધી હતી, એવામાં સજા મુલતવી રહેવાના સમાચાર આવતાં થોડી આશા જાગી છે.