ગુજરાતના બનાસકાંઠા અને જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા, કોઇ જાનહાનિ નહિ

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીર અને ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, સદનસીબે આ ભૂકંપમાં કોઈ જાનહાનિ થઈ નથી. શુક્રવારે મોડી રાત્રે ગુજરાતમાં 3.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. બનાસકાઠાંના વાવમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ વાવથી 27 કિલોમીટર દૂર નોંધાયુ છે. જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં રાત્રે આવેલા ભૂકંપની તીવ્રતા 2.7 હતી. લેહ-લદ્દાખમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીં ભૂકંપની તીવ્રતા 3.9 હતી.
22 એપ્રિલે કચ્છ જિલ્લામાં ભૂકંપનો તીવ્ર આંચકો અનુભવાયો
ભૂકંપ માટે અતિ સંવેદનશીલ ગણાતા કચ્છની ધરતી ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી હતી. મંગળવાર, 22 એપ્રિલ, 2025ની મોડી રાત્રે લગભગ 11:26 વાગ્યે કચ્છ જિલ્લામાં ભૂકંપનો તીવ્ર આંચકો અનુભવાયો હતો, જેની પુષ્ટિ ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજીકલ રિસર્ચ દ્વારા કરવામાં આવી છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી.
ગુજરાતમાં ભૂકંપનું જોખમ વધુ
ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અનુસાર, ગુજરાત ભૂકંપની દ્રષ્ટિએ ઉચ્ચ જોખમ ધરાવતો વિસ્તાર છે. છેલ્લા 200 વર્ષમાં અહીં નવ મોટા ભૂકંપ આવ્યા છે. જેમાં 26 જાન્યુઆરી 2001 ના રોજ કચ્છમાં આવેલો ભૂકંપ છેલ્લા બે સદીઓમાં ભારતમાં આવેલો ત્રીજો સૌથી મોટો ભૂકંપ હતો. આ ભૂકંપમાં આશરે 13,800 લોકો માર્યા ગયા અને 1.67 લાખ લોકો ઘાયલ થયા.
આ પણ વાંચો…પાકિસ્તાનના સ્વાત પ્રદેશમાં 4.4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો…